એના કોચ અત્યંત જૂના થઈ ગયા હોવાથી વેસ્ટર્ન રેલવેએ લીધો નિર્ણય
વલસાડ ફાસ્ટ પૅસેન્જર ટ્રેનમાં ૧૧ ડબલ ડેકર કોચ છે.
વેસ્ટર્ન રેલવેમાં મુંબઈ અને સુરત વચ્ચે દોડતી ફ્લાઇંગ રાણી ડબલ ડેકર ટ્રેનના કોચ બદલવામાં આવ્યા બાદ હવે મુંબઈ અને વલસાડ વચ્ચે ચલાવવામાં આવતી નૉન-એસી વલસાડ ફાસ્ટ પૅસેન્જર ડબલ ડેકર ટ્રેનના કોચ બદલવામાં આવશે. ડબલ ડેકરના કોચ અત્યંત જૂના થઈ ગયા હોવાથી એની જગ્યાએ આ વર્ષના અંત સુધીમાં ડબલ ડેકરને બદલે સિંગર ડેકર કોચ સાથે વલસાડ ફાસ્ટ પૅસેન્જરને દોડાવવામાં આવશે.
વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર વિનીત અભિષેકે કહ્યું હતું કે ‘મુંબઈની છેલ્લી નૉન-એસી ડબલ ડેકર વલસાડ ફાસ્ટ પૅસેન્જર ટ્રેનના કોચ ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં બદલવામાં આવશે. આ ડબલ ડેકર કોચમાં ભારતની પહેલવહેલી રેસ્ટોરાં ઑન વ્હીલ બનાવવામાં આવે એવી શક્યતા છે. ૧૧ ડબલ ડેકર કોચમાં વેસ્ટર્ન રેલવેના ઇતિહાસને દર્શાવતું મ્યુઝિયમ ઑન વ્હીલ પણ બનાવવાનો વિચાર છે, જે કોઈ પણ રેલવે-સ્ટેશનના પરિસરમાં મૂકવામાં આવશે.’
ADVERTISEMENT
અત્યારે ચલાવવામાં આવતી વલસાડ ફાસ્ટ પૅસેન્જર ટ્રેનના દરેક ડબલ ડેકર કોચમાં ૧૩૬ સીટ છે. જોકે એમાં ૨૫૦ જેટલા લોકો મુસાફરી કરે છે. ડબલ ડેકર કોચ દૂર કર્યા બાદ આ ટ્રેનમાં સામાન્ય ડબ્બા જોડવામાં આવશે જેમાં ૧૦૦ સીટ હશે. જોકે ઉપરના ભાગ (અપર બર્થ)માં પણ લોકો બેસી શકશે એટલે ડબલ ડેકર કોચ જેટલા જ કે એનાથી થોડા વધુ લોકો નવા જોડવામાં આવનારા નૉર્મલ કોચમાં મુસાફરી કરી શકશે. આ સિવાય અત્યારે ચાલતી વલસાડ ફાસ્ટ પૅસેન્જર ટ્રેનમાં ૧૧ ડબલ ડેકર કોચ સહિત કુલ ૧૯ ડબા છે એની સામે ફેરફાર કરવામાં આવ્યા બાદ ૨૧થી ૨૨ નૉર્મલ કોચ આ ટ્રેનમાં જોડવામાં આવશે.