દાદરમાં વડીલોની હેલ્પ કરવા રાખેલા નોકરે વર્ષોથી ભેગું કરેલું એક કિલો સોનું અને ૫૦ લાખ રૂપિયા રોકડા ચોરી લીધાં
પ્રતીકાત્મક તસવીર
દાદરમાં રહેતા ગુજરાતી સિનિયર સિટિઝનની સેવા કરવા પરિવારે નોકર રાખ્યો હતો. તેણે શરૂઆતમાં પરિવારનો વિશ્વાસ જીતવા માટે વડીલોની જોરદાર સેવા કરી હતી. ત્યાર બાદ તેમણે વર્ષોથી ભેગી કરેલી જમાપુંજી પર નજર રાખીને આશરે એક કિલો સોનું અને ૫૦ લાખ રૂપિયાની રોકડની ચોરી કરી હતી. અંતે આરોપીની ચોરી બહાર આવતાં પરિવારે દાદર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
દાદરના સેનાપતિ બાપટ માર્ગ પરની એક સોસાયટીમાં રહેતા અને એમ્પાયર ફર્નિચર નામે ફર્નિચરનો બિઝનેસ કરતા ૩૯ વર્ષ જિતેન કાંતિલાલ મિસ્ત્રીએ કરેલી ફરિયાદ અનુસાર તેમનો ઋષભ ટાવરમાં પાંચ બીએચકેનો ફ્લૅટ છે. એમાં માતા-પિતા એક રૂમમાં રહેતાં હતાં. પાંચમી એપ્રિલે પિતાનું અવસાન થતાં માતા એ રૂમમાં એકલાં રહેતાં હતાં. એ રૂમમાં માતા-પિતાનું કબાટ હતું. જેમાં તેઓ કીમતી ઘરેણાં અને પૈસા રાખતાં હતાં. એની ચાવી બાજુના ખુલ્લા કબાટમાં રાખવામાં આવતી હતી. દરમિયાન તેમણે ઘરમાં વડીલોની સેવા કરવા એક નોકર રાખવાનું નક્કી કર્યું હતું. એ પછી ફરિયાદીએ વિદ્યાનંદ ઉર્ફે બીરેન્દ્રને જાન્યુઆરી ૨૦૨૧માં નોકરી પર રાખ્યો હતો. બીરેન્દ્ર ઘરની સાફસફાઈ કરવાનું અને શાકભાજી લાવવાનું કામ પણ કરતો હતો. ઉપરાંત તે ફરિયાદીના ઘરે રાતે રહેતો હતો. દરમિયાન ફરિયાદીના પરિવાર સાથે તેના સારા સંબંધો થઈ ગયા હતા. ૨૦૨૨માં દિવાળી દરમિયાન ફરિયાદીના પિતા બીમાર પડ્યા હતા ત્યારે વીરેન્દ્રએ તેમની સારી સંભાળ લીધી હતી. એને લીધે પરિવારનો તેના તરફ લગાવ વધ્યો હતો. જોકે પિતાના અવસાન બાદ છેલ્લા કેટલાક દિવસોથી ફરિયાદીને એવી શંકા હતી કે વિદ્યાનંદ ઉર્ફે વીરેન્દ્ર ઘરમાંથી કેટલીક કીમતી ચીજવસ્તુઓ અને પૈસાની ચોરી કરી રહ્યો છે. એની સાથે ઘર અને કબાટની વસ્તુઓ અવ્યવસ્થિત હાલતમાં પડેલી જોવા મળી હતી. ફરિયાદીએ શરૂઆતમાં એની અવગણના કરી હતી, કારણ કે તેણે તેના પિતાની સેવા કરી હતી. ૧૨ ઑક્ટોબરે સાંજે પાંચ વાગ્યે ફરિયાદી પરિવાર સાથે ઘરે હાજર હતો ત્યારે તેણે વીરેન્દ્રને પૈસાની ચોરી કરતાં જોયો હતો. તેની સાથે વાત કરવા જતાં વીરેન્દ્રએ જોરથી વાત કરવાનું શરૂ કર્યું હતું અને દલીલ કરીને ગાળો પણ આપી હતી. ત્યાર બાદ તેના પર શંકા ગઈ હતી. ફરિયાદીએ આ ઘટના તેની માતાને જણાવી હતી. ત્યારે માતાએ ફરિયાદીને કહ્યું કે તારા પિતાએ મહેનત કરીને કેટલાક પૈસા અને સોનું રાખ્યાં હતાં. એપ્રિલમાં પિતાનું અવસાન થયું ત્યારથી મેં એ પૈસા અને સોનું જોયાં નહોતાં, પરંતુ વીરેન્દ્રએ એમાંથી પૈસા લીધા હોવા જોઈએ.
ADVERTISEMENT
એ પછી ફરિયાદીએ માતા-પિતા દ્વારા કબાટમાં રાખેલા પૈસા તપાસ્યા ત્યારે એ મળ્યા નહોતા. ત્યાર બાદ અલમારીમાં રાખેલું સોનું તપાસ્યું ત્યારે એ પણ મળ્યું નહોતું. પછી માતા પાસેથી વધુ માહિતી લેતાં તેણે જણાવ્યું હતું કે પિતાએ મહેનત કરીને ૫૦ લાખ રૂપિયા અને ૧૦૦ ગ્રામ વજનનાં કુલ આઠ સોનાનાં બિસ્કિટ ખરીદ્યાં હતાં. એની સાથે ૫૦ ગ્રામ વજનનાં ચાર બિસ્કિટ બનાવ્યાં હતાં જે અલમારીમાં સાચવીને રાખ્યાં હતાં. અંતે આ ઘટનાની જાણ દાદર પોલીસને કરતાં એ ઘટનાસ્થળે આવી હતી અને વીરેન્દ્રને કસ્ટડીમાં લઈને તેની સામે ચોરીની ફરિયાદ નોંધી હતી.
દાદર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર આહાડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ નોંધીને અમે આરોપીની ધરપકડ કરી છે. તેને સાત દિવસની પોલીસ-કસ્ટડી આપવામાં આવી છે. વધુ માહિતી થોડા દિવસ પછી તમને આપવામાં આવશે.’

