ડોમ્બિવલી પોલીસે બે લોકોની ધરપકડ કરીને આશરે ૧૦ લાખ રૂપિયાના બે દાંત જપ્ત કર્યા
માનપાડા પોલીસે જપ્ત કરેલા હાથીદાંત
ડોમ્બિવલી-ઈસ્ટમાં મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MIDC) વિસ્તારમાં હાથીદાંત વેચવા આવેલા ૨૮ વર્ષના આકાશ પવાર અને ૨૬ વર્ષના નીતિન ધામણેની મંગળવારે ડોમ્બિવલીની માનપાડા પોલીસે ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી ૧૦ લાખ રૂપિયાના બે હાથીદાંત મળી આવ્યા હતા જેને જપ્ત કરવામાં આવ્યા છે. એ દાંત ક્યાંથી આવ્યા એની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસને મળેલી માહિતી અનુસાર કેરલામાંથી આ દાંત મગાવવામાં આવ્યા હતા.
આરોપીઓની સઘન પૂછપરછ કરીને સમગ્ર કૌભાંડ સુધી પહોંચવા માટે અમે તપાસ શરૂ કરી છે એમ જણાવતાં માનપાડા પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર દત્તાત્રેય ગુંડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘MIDC વિસ્તારના કોઈ વેપારીને હાથીદાંત વેચવા બે લોકો આવવાના હોવાની અમને ગુપ્ત સૂત્રો પાસેથી માહિતી મળી હતી. એના આધારે અમે MIDC વિસ્તારમાં મંગળવારે છટકું ગોઠવ્યું હતું અને આરોપીઓને તાબામાં લીધા હતા. તેમની પાસેથી બે હાથીદાંત કબજે કરવામાં આવ્યા છે. આરોપીઓ આ દાંત ક્યાંથી લાવ્યા અને કોને વેચવા આવ્યા હતા એની તપાસ કરવામાં આવી રહી છે. ધરપકડ કરેલા બન્ને આરોપીઓ ડોમ્બિવલીમાં રહે છે.’