આ રીતે ડિજિટલ અરેસ્ટ કરીને અને ધમકાવીને ડોમ્બિવલીની સિનિયર સિટિઝન મહિલા પાસેથી ૨૭.૯૨ લાખ રૂપિયા પડાવી લીધા સાઇબર ગઠિયાઓએ
પ્રતીકાત્મક તસવીર
ડોમ્બિવલી-ઈસ્ટમાં આરે રોડ પરની એક સોસાયટીમાં રહેતાં ૬૦ વર્ષનાં સિનિયર સિટિઝન મહિલાને ડિજિટલ અરેસ્ટના નામે ધમકાવીને ૯થી ૧૬ જાન્યુઆરી વચ્ચે ૨૭.૯૨ લાખ રૂપિયા સાઇબર ગઠિયાઓએ પડાવી લીધા હોવાની ફરિયાદ ડોમ્બિવલી પોલીસ-સ્ટેશનમાં ગઈ કાલે નોંધાઈ હતી. આરોપીઓએ મહિલાને ધમકાવવા માટે સતત સાત દિવસ સુધી સવારે ૯થી રાતે ૧૦.૩૦ વાગ્યા સુધી વૉટ્સઍપ વિડિયો-કૉલ કરી એ ચાલુ જ રાખ્યો હતો, જેમાં મની-લૉન્ડરિંગના કેસમાંથી બહાર કાઢવાના નામે ધીરે-ધીરે કરીને ૩૦થી વધારે ટ્રાન્ઝૅક્શનમાં પૈસા પડાવી લેવામાં આવ્યા હતા. આ મામલે થાણે સાઇબર વિભાગ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
મહિલાને વૉટ્સઍપ વિડિયો-કૉલ કરીને એ કૉલ આખો દિવસ ચાલુ રાખવામાં આવ્યો હોવાની પ્રાથમિક માહિતી અમને મળી છે એમ જણાવતાં ડોમ્બિવલી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ગણેશ જુવાડવાડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૯ જાન્યુઆરીની સવારે મહિલાને એક ફોન આવ્યો હતો જેમાં સામેની વ્યક્તિએ પોતાની ઓળખ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના અધિકારી અનિલ યાદવ તરીકે આપીને કહ્યું હતું કે તમારા આધાર કાર્ડનો ઉપયોગ મની-લૉન્ડરિંગ કેસમાં કરવામાં આવ્યો છે. ત્યાર બાદ ફરિયાદી મહિલાને તેમની ઉંમર પૂછીને કહેવામાં આવ્યું હતું કે તમારી ઉંમરને ધ્યાનમાં રાખીને અમે તમારી ધરપકડ નથી કરતા, પણ તમારા પર ધ્યાન રાખવું પડશે એમ કહીને વૉટ્સઍપ પર વિડિયો-કૉલ કર્યો હતો. એ વિડિયો-કૉલમાં સામે CBIના અધિકારી હોવાનો દાવો કરનારા યુવાને મહિલાને કેટલાક સવાલો કર્યા હતા. ત્યાર પછી વિવિધ ચાર્જિસ કહીને મહિલા પાસેથી પૈસાની માગણી કરવામાં આવી હતી. આમ ૯થી ૧૬ જાન્યુઆરી દરમ્યાન મહિલા પાસેથી ૨૭.૯૨ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ફરિયાદી મહિલા ખૂબ જ ડરી ગઈ હતી. અંતે તેમણે હિંમત કરીને અમારી પાસે આવીને ફરિયાદ નોંધાવી હતી. આ મામલે અમારી એક ટીમ તપાસ કરી રહી છે. સાથે થાણે સાઇબર વિભાગ દ્વારા પણ કેસની તપાસ કરવામાં આવી રહી છે.’

