મુંબઈમાં ડૉગ બાઇટિંગની સમસ્યા વધી રહી છે. કાંદિવલીના ૩૭ વર્ષના રહેવાસીએ હડકવાને કારણે જીવ ગુમાવ્યો હતો
પ્રતીકાત્મક તસવીર
તાજેતરમાં કાંદિવલીના ૩૭ વર્ષના એક રહેવાસીએ હડકવાને કારણે જીવ ગુમાવ્યો હતો. બીએમસીના હેલ્થ ડિપાર્ટમેન્ટના ડેટા મુજબ ૨૦૧૮ પછી હડકવાને કારણે કોઈ મૃત્યુ થયું નથી, પરંતુ આ વર્ષે એપ્રિલમાં એક દુખદ જાનહાનિ જોવા મળી હતી. વધુમાં ૨૦૨૨માં ડૉગી કરડવાના કેસમાં ૨૮ ટકાનો વધારો થયો છે. પાછલા વર્ષમાં સરેરાશ દર કલાકે ૯ લોકો ડૉગી કરડવાનો ભોગ બન્યા હતા. જોકે ૨૦૨૩ના જાન્યુઆરી અને એપ્રિલ વચ્ચે સરેરાશ દર કલાકે ૧૦ લોકોને ડૉગી કરડતા હતા.
ડેટા અનુસાર ૨૦૧૯માં શહેરમાં ૭૪,૨૭૯ ડૉગી કરડવાના કેસ નોંધાયા હતા. ૨૦૨૦માં કોરોના અને ત્યાર પછીના લૉકડાઉનને કારણે કેસ ઘટીને ૫૩,૦૨૦ થઈ ગયા હતા. જોકે ૨૦૨૧માં એ સંખ્યા વધીને ૬૧,૩૩૨ થઈ ગઈ અને ૨૦૨૨માં કેસની સંખ્યા વધીને ૭૮,૭૫૬ થઈ. ૨૦૨૧ની સરખામણીમાં ૨૦૨૨માં ડૉગી કરડવાની ઘટનામાં ૨૪ ટકાનો વધારો જોવા મળે છે.
ADVERTISEMENT
કસ્તુરબા હૉસ્પિટલમાં હડકવાને કારણે ૩૭ વર્ષના પુરુષે જીવ ગુમાવ્યો હતો. કસ્તુરબા હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. ચંદ્રકાંત પવારે જણાવ્યું હતું કે ‘કાંદિવલીમાં ચારકોપના રહેવાસી દરદીને ૨૦ એપ્રિલે નાણાવટી હૉસ્પિટલમાંથી કસ્તુરબામાં રિફર કરવામાં આવ્યો હતો, પરંતુ કમનસીબે તે બચી નહોતો શક્યો અને ૨૨ એપ્રિલે તેનું અવસાન થયું હતું. તેને બેથી ત્રણ મહિના પહેલાં ડૉગી કરડ્યો હતો અને એનું વૅક્સિનેશન સ્ટેટસ પણ અનક્લિયર હતું.’
આરોગ્ય વિભાગના એક સિનિયર ઑફિસરે જણાવ્યું હતું કે ‘છેલ્લા સાડાપાંચ વર્ષમાં શહેરમાં ૩,૮૨,૪૩૫ ડૉગ બાઇટિંગના કેસ નોંધાયા છે.’
એક્ઝિક્યુટિવ હેલ્થ ઑફિસર ડૉ. મંગલા ગોમારેએ જણાવ્યું હતું કે ‘ડૉગી કરડવાના કેસની સંખ્યામાં વધારો થયો છે અને મૃત્યુના કેસ પણ સામે આવ્યા છે. લોકોએ એ સમજવું જરૂરી છે કે ડૉગ બાઇટિંગની ઘટના બને તો ઍન્ટિ-રૅબીઝ વૅક્સિન ઉપલબ્ધ હોય ત્યાં તાત્કાલિક મેડિકલ મદદ લેવી જોઈએ. વૅક્સિનેશનનું મહત્ત્વ સમજવું ખૂબ જરૂરી છે.’
‘મિડ-ડે’ સાથે વાત કરતાં દેવનાર ઍબોટોરના ઇન્ચાર્જ જનરલ મૅનેજર ડૉ. કલીમ પઠાણે જણાવ્યું હતું કે ‘હાલમાં અમારી પાસે ૬ એનજીઓ છે, જે નસબંધી અને રસીકરણનું કામ કરે છે. જોકે અમારે આ કાર્ય માટે વધારે સંસ્થાની જરૂર છે.’