મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓના વેચાણ માટે ખાસ ડિઝાઇન કરેલાં ૨૦૦ વેન્ડિંગ કિઓસ્ક ઊભાં કરવામાં આવશે
૧૦ ઑક્ટોબરથી શરૂ થનારી ફરાળ સખી યોજનાનું પોસ્ટર
મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાએ ફરાળ સખી નામની યોજનાની શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે. બચતગટના માધ્યમથી અહીંની મહિલાઓ દ્વારા દિવાળીના તહેવાર અને એ પછી પણ આખું વર્ષ લોકોને સ્વચ્છ રસોડામાં બનાવવામાં આવતી વાનગી સહિતની બીજી વસ્તુઓ મળે એ માટે ફરાળ સખી યોજના બનાવવામાં આવી છે.
મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર સંજય કાટકરે કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકારના નીતિ આયોગના સહયોગથી મહિલાઓ ઉદ્યોગ શરૂ કરીને પગભર થાય એ આ યોજના પાછળનો ઉદ્દેશ છે. મીરા-ભાઈંદરનાં ૨૦૦ સ્થળોએ ઊભાં કરવામાં આવનારાં કિઓસ્કમાં ખાદ્ય પદાર્થનું વેચાણ કરવા માટેની તાલીમ આપવામાં આવશે. મહિલાઓ તેમની પ્રોડક્ટ્સનું માર્કેટિંગ કરી શકે એ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવશે. ૧૦ ઑક્ટોબરથી આ યોજના શરૂ થઈ જશે.’ મહાનગરપાલિકાના ક્ષેત્રમાં આ પ્રકારની પહેલી યોજના હોવાનું કહેવાય છે.