આ બનાવમાં કોઈને ઈજા થઈ નહોતી
ઉપવન લેક નજીક કારમાં લાગેલી આગમાં એ બળીને ખાખ થઈ ગઈ હતી
થાણે-વેસ્ટમાં ઉપવન લેક નજીક રવિવારે રાતે એક ફટાકડો હ્યુન્દાઇ કંપનીની i-20 કાર નીચે ફૂટતાં કાર બળીને ખાખ થઈ ગઈ હોવાની માહિતી ફાયર અધિકારીઓએ આપી હતી. થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC), પોલીસ, ફાયર-બ્રિગેડ, ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના કર્મચારીઓ સહિતનાં વાહનો ઘટનાસ્થળે દોડી ગયાં હતાં અને આશરે ૨૦ મિનિટમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. કારની માલિક ઐશ્વર્યા પુણેકર ફુટપાથ પાસે પોતાની કાર પાર્ક કરીને નજીકમાં રહેતા સંબંધીઓના ઘરે દિવાળી નિમિત્તે ગઈ હતી ત્યારે આ ઘટના બની હતી. આ બનાવમાં કોઈને ઈજા થઈ નહોતી.
આગ લાગવા પાછળનું કારણ જાણવા તપાસ કરવામાં આવી રહી છે એમ જણાવતાં TMC ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના સિનિયર અધિકારી યાસિન તડવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતી પ્રમાણે ફટાકડો ફૂટવાને કારણે કારમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. એમ છતાં આની વિગતવાર તપાસ ફાયર અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે, કારણ કે આ આગમાં આખી કાર બળી ગઈ છે. આગ લાગવાનો કૉલ રવિવારે રાતે સાડાઅગિયાર વાગ્યે આવ્યો હતો. કારની માલિક તેના સંબંધીના ઘરે આવી હતી ત્યારે તેણે પોતાની કાર રોડ પર ફુટપાથ નજીક પાર્ક કરી હતી.’