હું આજે જ નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર છું, પણ મારી સાથે આદિત્ય ઠાકરે સહિત બધાની નાર્કો ટેસ્ટ થવી જોઈએ, દક્ષિણ મુંબઈના સંસદસભ્યએ સતીશ સાલિયનની નાર્કો ટેસ્ટ કરાવવાની માગણી કરી હતી : ગઈ કાલે દિશાના ફાધરે ટોચના પોલીસ અધિકારીને મળીને પોતે કરેલી ફરિયાદના આધા
દિશા સાલિયનના પપ્પા સતીશ સાલિયન પોતાના વકીલ સાથે ગઈ કાલે જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ (ક્રાઇમ) લખમી ગૌતમને મળ્યા હતા.
દક્ષિણ મુંબઈના સંસદસભ્યએ સતીશ સાલિયનની નાર્કો ટેસ્ટ કરાવવાની માગણી કરી હતી: ગઈ કાલે દિશાના ફાધરે ટોચના પોલીસ અધિકારીને મળીને પોતે કરેલી ફરિયાદના આધારે FIR દાખલ કરવા કહ્યું
દિશા સાલિયનના મૃત્યુના કેસમાં તેના પપ્પા સતીશ સાલિયને મુંબઈ પોલીસને આપેલી લેખિત ફરિયાદ બાદ પણ કોઈ ઍક્શન લેવામાં આવી ન હોવાથી તેઓ ગઈ કાલે ફરીથી મુંબઈ પોલીસના જૉઇન્ટ કમિશનર (ક્રાઇમ) લખમી ગૌતમને મળ્યા હતા. તેમણે આદિત્ય ઠાકરે સહિતના લોકો સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરવાની માગણી કરી છે.
ADVERTISEMENT
ગઈ કાલે બપોરે ત્રણ વાગ્યે તેઓ પોતાના વકીલ સાથે લખમી ગૌતમને મળ્યા હતા અને તેમની સાથે મંગળવારે કરવામાં આવેલી ફરિયાદમાં જે લોકોનાં નામ આપવામાં આવ્યાં છે તેમની સામે FIR દાખલ કરવા કહ્યું હતું. જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસને મળ્યા બાદ સતીશ સાલિયને પત્રકારોને કહ્યું હતું કે હું મારી નાર્કો ટેસ્ટ આજે જ કરાવવા તૈયાર છું, પણ મારી સાથે આદિત્ય ઠાકરે સહિત જેટલા લોકોનાં ફરિયાદમાં નામ છે એ બધાની પણ નાર્કો ટેસ્ટ થવી જોઈએ.
બુધવારે એક ન્યુઝ-ચૅનલ સાથે વાત કરતી વખતે ઉદ્ધવસેનાના નેતા અને દક્ષિણ મુંબઈના સંસદસભ્ય અરવિંદ સાવંતે સતીશ સાલિયનની નાર્કો ટેસ્ટ કરાવવાની માગણી કરી હોવાથી એના સંદર્ભમાં તેમણે ઉપરોક્ત વિધાન કર્યું હતું.
સતીશ સાલિયનના વકીલે આ મીટિંગ વિશે કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર સરકાર અમારી ફરિયાદની દખલ લઈ રહી છે, પણ હજી સુધી તેમણે FIR દાખલ નથી કરી. જ્યાં સુધી એ રજિસ્ટર નહીં થાય ત્યાં સુધી આગળ કોઈ કાર્યવાહી નહીં થઈ શકે. અમે CBI તપાસની માગણી કરી છે, પણ જ્યાં સુધી એ થાય નહીં ત્યાં સુધી પોલીસે એક એવા ઑફિસરની નિમણૂક કરવી જોઈએ જેની સાથે તેઓ એવા પુરાવા શૅર કરી શકે જે હજી સુધી બહાર નથી આવ્યા.’
અત્યારે આ કેસની તપાસ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) કરી રહી છે. સતીશ સાલિયને બૉમ્બે હાઈ કોર્ટમાં કરેલી યાચિકા પર બીજી એપ્રિલે સુનાવણી થવાની છે.

