Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દિશા સાલિયનનું મૃત્યુ થયું ત્યારે હું હૉસ્પિટલમાં હતોઃ આદિત્ય ઠાકરે

દિશા સાલિયનનું મૃત્યુ થયું ત્યારે હું હૉસ્પિટલમાં હતોઃ આદિત્ય ઠાકરે

Published : 24 December, 2022 11:57 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‌ભૂતપૂર્વ પ્રધાને કહ્યું કે ગમે એટલા આરોપ કરો, સત્ય એક દિવસ બહાર આવશે

દિશા સાલિયન, આદિત્ય ઠાકરે

દિશા સાલિયન, આદિત્ય ઠાકરે


નાગપુરની જમીન બાબતે ગેરવ્યવહાર કરવામાં આવ્યો હોવાનો આરોપ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર કરવામાં આવ્યો છે એ બાબતે અત્યારે નાગપુરમાં ચાલી રહેલા વિધાનસભાના શિયાળુ સત્રમાં ધમાલ થઈ છે ત્યારે વિરો‌ધ પક્ષના નેતા અજિત પવારે ગઈ કાલે દાવો કર્યો હતો કે ભૂખંડ-શ્રીખંડનું પ્લાનિંગ બીજેપીએ કર્યું હતું. બીજેપીએ આ મામલે સૌથી પહેલાં પીઆઇએલ દાખલ કરી હતી.


અજિત પવારે ગઈ કાલે નાગપુરમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘નાગપુરની ૮૩ કરોડ રૂપિયાની કિંમતની જમીન બે કરોડમાં આપવામાં આવી હતી. આથી અત્યારે આ બાબતે વાતાવરણ ગરમાયું છે. આ મૅટરમાં સૌથી પહેલાં ઉદ્ધવ ઠાકરેની આગેવાનીની સરકાર વખતે અને અત્યારે એકનાથ શિંદે સાથે સરકારમાં સામેલ બીજેપીના કેટલાક લોકોએ કોર્ટમાં પીઆઇએલ દાખલ કરી હતી. આથી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની મૅટર સરકારના સાથી પક્ષે જ ઉખેળી છે.’



ઉદ્ધવ ઠાકરે જૂથના પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે પણ આ વિશે કહ્યું હતું કે ‘દોઢ મહિના પહેલાં બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે, વિધાનસભ્ય પ્રવીણ દટકે અને અન્ય એક વિધાનસભ્યે આ બાબતે સવાલ કર્યા છે એ જ વિષય અમે વિધાનસભામાં ઉપસ્થિત કર્યા છે. આનો અર્થ સ્પષ્ટ છે કે એકનાથ શિંદેનું ભ્રષ્ટાચારનું પ્રકરણ ફરી ચર્ચામાં આવે એ માટે બીજેપીના લોકોની ઇચ્છા છે. દેવેન્દ્ર ફડણવીસને માનનારા વિધાનસભ્યોની ઇચ્છા છે.’


ઉલ્લેખનીય છે કે બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ તાજેતરમાં એક કાર્યક્રમમાં દેવેન્દ્ર ફડણવીસને ઉલ્લેખીને કહ્યું હતું કે ‘હું પ્રદેશાધ્યક્ષ છું ત્યાં સુધીમાં તમે મુખ્ય પ્રધાન બનો.’ બીજેપી પ્રદેશાધ્યક્ષના આવા નિવેદનની નોંધ વિરોધ પક્ષોએ લીધી હતી અને સંજય રાઉતે આ વિશે કહ્યું હતું કે ખોખાં સરકારે આનો અર્થ સમજી લેવાની જરૂર છે.
મહાવિકાસ આઘાડી સરકારમાં એકનાથ શિંદે નગરવિકાસ પ્રધાન હતા ત્યારે નાગપુરમાં એનઆઇટી જમીનની વહેંચણીમાં ગોટાળો કરવામાં આવ્યો હોવાનો આરોપ થયો છે. ૨૦૨૧માં એકનાથ શિંદેએ ૧૬ વ્યક્તિને લાભ થાય એવો નિર્ણય લીધો હોવાનો આરોપ છે. ઉમરેડ પરિસરમાં આવેલી બે લાખ ચોરસ ફીટની ૮૩ કરોડ રૂપિયાની કિંમતની જમીન બે કરોડ રૂપિયામાં આપી હોવાનો આરોપ છે.

બે કેસમાં મોહિત કંબોજને પોલીસની ક્લીન-ચિટ
આર્થિક ગુના શાખા અને આર્મ્સ ઍક્ટ અંતર્ગત બીજેપીના નેતા મોહિત કંબોજ સામે સંજય પાંડે મુંબઈના પોલીસ કમિશનર હતા ત્યારે ફરિયાદ નોંધવામાં આવી હતી. મુંબઈ પોલીસે આ બંને કેસમાં કોઈ પુરાવા ન હોવાથી મોહિત કંબોજને ક્લીન-ચિટ આપી હોવાનું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે મોહિત કંબોજે ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક પાસેથી ૨૦૧૧થી ૨૦૧૫ દરમ્યાન બાવન કરોડ રૂપિયાની લોન લીધી હતી. લોનની રકમ જે કામ માટે લેવામાં આવી હતી એમાં વાપરવામાં ન આવી હોવાનો આરોપ તેમના પર મૂકવામાં આવ્યો હતો. આથી મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ તેમની સામે ફરિયાદ નોંધી હતી. આ સિવાય મોહિત કંબોજ સામે આર્મ્સ ઍક્ટની ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. 


રાહુલ શેવાળે ૨૦૨૪માં સંસદમાં નહીં દેખાય
ઉદ્ધવ ઠાકરે જૂથના પ્રવક્તા સંજય રાઉતે ગઈ કાલે કહ્યું હતું કે ‘સુશાંત સિંહ રાજપૂતની મૅનેજર દિશા સાલિયનના મૃત્યુના મામલામાં આદિત્ય ઠાકરેનું નામ ઉછાળનારા સાંસદ રાહુલ શેવાળે ૨૦૨૪માં સાંસદમાં જોવા નહીં મળે. રાહુલ શેવાળે દેશના ઍટર્ની જનરલ નથી. અમને પણ કાયદાની ખબર પડે છે. ૨૦ વર્ષથી સંસદમાં છું અને અમે સરકાર પણ બનાવી છે. આથી મને કંઈ ખ્યાલ નથી આવતો એવું કોઈ માને નહીં.’

વિધાનસભા સત્રનો વિરોધ પક્ષોએ કર્યો બહિષ્કાર
નાગપુરમાં અત્યારે ચાલી રહેલું રાજ્યનું વિધાનસભાનું સત્ર સીમા વિવાદ અને દિશા સાલિયન મૃત્યુ પ્રકરણ સહિતના મુદ્દે ભરશિયાળે ભારે ગરમાઈ ગયું છે. એવામાં ગુરુવારે એનસીપીના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલને સત્ર ચાલે ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવતાં મામલો વધુ ગરમાયો છે. આ બાબતે ગઈ કાલે મહાવિકાસ આઘાડીમાં સામેલ એનસીપી, શિવસેના અને કૉન્ગ્રેસના નેતાઓની એક બેઠક મળી હતી, જેમાં સત્રનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

વિરોધ પક્ષના નેતા અજિત પવારે આ વિશે કહ્યું હતું કે ‘જયંત પાટીલનું સસ્પેન્શન પાછું લેવાની અમારી માગણી છે. સ્પીકર એમ નહીં કરે તો અમે સત્રનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. વિધાનસભામાં વિરોધીઓને બોલવા પણ દેવામાં નથી આવતા.’

ઉમેશ કોલ્હેના હત્યાકાંડને દબાવવાનો આરોપ
બીજેપીનાં ભૂતપૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના નિવેદનનું સમર્થન કરનારા ઉમેશ કોલ્હેની તબલીખી જમાતના લોકોએ હત્યા કરી હોવાની માહિતી સામે આવ્યા બાદ આ બાબતની તપાસ રાજ્યના સીઆઇડી વિભાગ દ્વારા કરવામાં આવશે એવી જાહેરાત રાજ્યના ગૃહરાજ્યપ્રધાન શંભુરાજ દેસાઈએ વિધાનસભામાં કરી હતી. વિધાનસભ્ય રવિ રાણાએ આ બાબતે વિધાનસભામાં મુદ્દો માંડ્યો હતો અને આરોપ કર્યો હતો કે ઉમેશ કોલ્હેને ધમકીઓ આવતી હતી તો પણ તત્કાલીન ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી સરકારે ધ્યાન નહોતું આપ્યું અને ઉમેશ કોલ્હેની હત્યા કરવામાં આવી હતી. પોલીસે હત્યાના એક કેસને રૉબરીમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. એનઆઇએની તપાસમાં જણાઈ આવ્યું છે કે‌ હિન્દુઓનો અવાજ દબાવવા માટેનો પ્રયાસ એ સમયે રાજ્ય સરકારે કર્યો હતો. ઉમેશની હત્યા બાદ તત્કાલીન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પોલીસ કમિશનરને ફોન કર્યો હતો. હત્યાના કેસને રૉબરીમાં ફેરવવામાં આવ્યો હતો એટલે એક મહિનામાં કેસની તપાસની દિશા બદલાઈ ગઈ હતી.

સીસીટીવી કૅમેરાનાં ફુટેજ કેમ ગાયબ છે?
બૉલીવુડના સદ્ગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મૅનેજર દિશા સાલિયનના મૃત્યુ મામલે રાજ્ય સરકારે એસઆઇટીની સ્થાપના કરી છે. યુવાસેનાના અધ્યક્ષ આદિત્ય ઠાકરેનું આ મામલામાં નામ ઉછાળવામાં આવ્યું છે ત્યારે આદિત્ય ઠાકરેએ મૌન તાડ્યું છે. તેમણે ગઈ કાલે કહ્યું હતું કે ‘દિશાનું મૃત્યુ થયું ત્યારે મારા નાનાની હૉસ્પિટલમાં સારવાર ચાલતી હતી એટલે હું તેમની સાથે હતો. આથી મારા પર ગમે એટલા આરોપ કરવામાં આવશે તો પણ સત્ય બહાર આવશે.’

ઉલ્લેખનીય છે કે દિશા સાલિયને આત્મહત્યા નથી કરી, પણ તેની હત્યા કરવામાં આવી હોવાનો દાવો બીજેપીના વિધાનસભ્ય નીતેશ રાણેએ કર્યો છે. વિધાનસભામાં તેમણે કહ્યું હતું કે ‘દિશાનું મૃત્યુ થયું ત્યારે મલાડમાં પાર્ટી ચાલી રહી હતી. આ પાર્ટીમાં કોણ હતા, સીસીટીવી કૅમેરાનાં ફુટેજ કેમ ગાયબ છે, વિઝિટર્સ બુકમાં પેજ કેમ ફાડવામાં આવ્યાં જેવા સવાલો છે. આથી આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે.’

રાજ ઠાકરે મુખ્ય પ્રધાનને મળ્યા
નાગપુરમાં અત્યારે રાજ્યનું શિયાળુ અધિવેશન ચાલી રહ્યું છે ત્યારે એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરેએ ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે બંધબારણે કેટલોક સમય વાતચીત થઈ હોવાનું જાણવા મળ્યું હતું. એકનાથ શિંદેએ શિવસેનામાં બળવો કર્યા બાદ રાજ ઠાકરે સાથે તેમની અનેક વખત મુલાકાત થઈ ચૂકી છે. બંને નેતા ફરી નાગપુરમાં ગઈ કાલે મળતાં તેમની વચ્ચે કંઈક રંધાઈ રહ્યું હોવાની ચર્ચા શરૂ થઈ છે.

રાજ ઠાકરેએ ગઈ કાલે નાગપુરમાં આયોજિત સભામાં વિરોધીઓ પર આકરી ટીકા કરવાની સાથે એમએનએસના કાર્યકરોને રાજકારણમાં આગળ વધવા માટે સમય લાગે છે એવું કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે બીજેપી અને કૉન્ગ્રેસને રાજકીય રીતે સ્થિર થવા માટે મોટા સંઘર્ષ કરવો પડ્યો હતો એટલે આપણે પણ આગળ વધવા માટે લાંબો સંઘર્ષ કરવો પડશે. 
મહિલાનો વિધાનભવન પરિસરમાં આત્મહત્યાનો પ્રયાસ

નાગપુરમાં ગઈ કાલે વિધાનભવનના પરિસરમાં ૨૮ વર્ષની એક મહિલાએ શરીર પર જ્વલનશીલ પદાર્થ નાખીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે વિધાનભવનના ગેટ પરની પોલીસે મહિલા આગ ચાંપે એ પહેલાં તેને ઉગારી લીધી હતી. સોલાપુરની કવિતા ચવાણ‍ નામની યુવતીએ પોલીસને કહ્યું હતું કે ‘છત્રપતિ શિવાજી મહારાજ, મહાત્મા ફુલે અને સાવિત્રીબાઈ ફુલે વગેરે મહાનુભાવોનું અપમાન કરનારા રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી અને બીજેપીના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી સામે કેમ કોઈ પગલાં લેવામાં નથી આવ્યાં?’ 

Whatsapp-channel Whatsapp-channel

24 December, 2022 11:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK