એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે કાંદિવલી-વેસ્ટની કપોળ વિદ્યાનિધિ ઇન્ટરનૅશનલ સ્કૂલમાં તપાસ કરી ત્યારે આવું વર્તન થયાનું અધિકારીને સ્પષ્ટપણે જણાઈ આવ્યું છે
કાંદિવલી-વેસ્ટની કપોળ વિદ્યાનિધિ ઇન્ટરનૅશનલ સ્કૂલ
ફીના મુદ્દે બાળકો સાથે ભેદભાવભર્યું વર્તન કરનાર કાંદિવલી-વેસ્ટની કપોળ વિદ્યાનિધિ ઇન્ટરનૅશનલ સ્કૂલ સામે હવે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ કરાઈ છે. એટલું જ નહીં, ડિપાર્ટમેન્ટ દ્વારા જ્યારે આ બાબતે સ્કૂલમાં તપાસ કરાઈ ત્યારે સ્કૂલે પણ કબૂલ કર્યું હતું કે અમે બાળકો સાથે ભેદભાવભર્યું વર્તન કરીને તેમને માનસિક ત્રાસ આપ્યો છે.
પહેલી એપ્રિલે આ ઘટના બની હતી. ત્યારે નવમા અને દસમા ધોરણનાં કેટલાંક બાળકોને તેમના રેગ્યુલર ક્લાસમાંથી તેમની બૅગ સાથે ઉઠાડીને ફિઝિક્સ લૅબમાં બેસાડાયાં હતાં અને સ્કૂલના દાવા મુજબ તેમને ત્યાં ભણાવાયાં હતાં. આ બાળકો દ્વારા આ બાબતે તેમના વાલીઓને વાત કરાઈ ત્યારે તેમણે પહેલાં સ્કૂલમાં રજૂઆત કરી હતી અને ત્યાર બાદ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે કાંદિવલી પોલીસે શરૂઆતમાં ફરિયાદ લેવાની આનાકાની કરી હતી, પણ એ પછી એમએનએસના કાર્યકરોએ તેમને સપોર્ટ કરીને પોલીસને સવાલ કર્યો કે તેઓ વાલીઓની ફરિયાદ કેમ નથી લેતા ત્યારે પોલીસે વાલીઓની ફરિયાદ લીધી હતી. આ બાબતની જાણ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને પણ કરાઈ હતી. એથી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના વેસ્ટ ઝોન દ્વારા આ બાબતે તપાસ કરાઈ હતી.
ADVERTISEMENT
એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના વેસ્ટ ઝોનના ઇન્સ્પેક્ટર નવનાથ વનવેને આ બાબતે તેમણે શું પગલાં લીધાં એ પૂછ્યું તો તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસની તપાસ માટે અમારા ઇન્સ્પેક્ટર સ્કૂલમાં ગયા હતા. એ તપાસમાં જણાઈ આવ્યું છે કે બાળકોને માનસિક ત્રાસ આપવામાં આવ્યો છે. સ્કૂલે પણ કબૂલ કર્યું છે કે આવું થયું છે. બાળકો સાથે ભેદભાવભર્યું વર્તન કરવું એ ઍબ્નૉર્મલ છે. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ પણ આ બાબતે સ્કૂલ વિરુદ્ધ કાર્યવાહી કરશે. આ ઉપરાંત આ બાબતે પોલીસમાં પણ ફરિયાદ નોંધાઈ છે એટલે પોલીસ પણ સ્કૂલ સામે પગલાં લેશે.’