મુંબઈથી બાઇક ચોરીને થાણેમાં પત્નીને મળવા જતા અને ચોરીની રિક્ષા ચલાવીને પત્નીને મોંઘીદાટ ભેટ અને કપડાં આપનાર ચોરને દિંડોશી પોલીસે પકડી પાડ્યા
Crime News
દિંડોશી પોલીસે બે ચોરને પકડીને તેમની પાસેથી વાહનો જપ્ત કર્યાં હતાં
દિંડોશી પોલીસે બે ચોરની ધરપકડ કરી છે. એમાંથી એક ચોર તેની પત્ની દૂર થયા બાદ તેને મળવા માટે પાર્કિંગમાં પાર્ક કરેલાં વાહનોની ચોરી કરતો હતો. પત્નીને વાહન પર ફરવા લઈ ગયા બાદ એ વાહન થાણેમાં મૂકીને અન્ય વાહનની ચોરી કરીને મુંબઈ પાછો ફરતો હતો. એટલું જ નહીં, આ ચોરો રિક્ષા ચોરીને એને ચલાવતા હતા. એમાંથી જે પૈસા મળતા એનાથી તેઓ પોતાની પત્નીને મોંઘી ભેટ અને કપડાં આપતા હતા. દિંડોશી પોલીસે બન્ને શાતિર ચોરની ધરપકડ કરીને તેમની પાસેથી સાત વાહનો જપ્ત કર્યાં છે. આ વાહનો મુંબઈના અલગ-અલગ પોલીસ સ્ટેશન ક્ષેત્રમાંથી ચોરાયાં છે. જપ્ત કરાયેલાં વાહનોની કુલ કિંમત આશરે સાડાત્રણ લાખ રૂપિયાથી વધુ છે.
દિંડોશી પોલીસને સંતોષનગર ફિલ્મસિટી રોડ પર પાર્ક કરેલું ઍક્ટિવા ચોરી થયું હોવાની ફરિયાદ મળી હતી. આ કેસની તપાસ કરતી વખતે પોલીસે આ વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચેક કર્યું હતું. દિંડોશી પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને ટીમે પચાસથી વધુ સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ૩૬ કલાક સુધી સતત ચેક કર્યાં હતાં. એમાં તેઓ એક ઍક્ટિવા લઈને જતા જોવા મળ્યા હતા. પોલીસે માહિતીના આધારે બન્નેની ઓળખ કરી હતી. બન્ને દિંડોશીની હદમાં રહેતા શાતિર ચોર છે અને તેમનાં નામ સાગર ચાલકે (૨૯ વર્ષ) અને અક્ષય પવાર (૨૬ વર્ષ) છે.
ADVERTISEMENT
દિંડોશી પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર ચંદ્રકાંત ઘારગેએ જણાવ્યું હતું કે ‘પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે આરોપી અક્ષયનાં લગ્ન થાણેના વાગળે એસ્ટેટમાં થયાં હતાં. તેની પત્ની તેની મમ્મીના ઘરે જતી રહ્યા પછી તે તેને મળી શકતો ન હોતો. અક્ષય જ્યારે તેની પત્નીને મળવા માગતો ત્યારે તે મુંબઈથી ટૂ-વ્હીલર ચોરીને થાણે જતો હતો. પત્નીને મળ્યા પછી તે બાઇકને થાણેમાં છોડીને અન્ય વાહનની ચોરી કરીને પાછો મલાડ આવતો હતો. તેનો સાથી ચોર સાગર રિક્ષા ચોરીને એને ભાડેથી ચલાવતો હતો. જે પૈસા મળતા એમાંથી તે મોંઘાં કપડાં અને ગિફ્ટ ખરીદીને અક્ષયની પત્નીને આપતો હતો. પોલીસે બન્નેને પકડીને તેમની પાસેથી એક રિક્ષા સહિત સાત વાહનો કબજે કર્યાં હતાં. જપ્ત કરાયેલા આ વાહનો મુલુંડ, નૌપાડા અને પંતનગર પોલીસ સ્ટેશન સહિત દિંડોશીમાંથી ચોરવામાં આવ્યાં હતાં.’