ફોટોગ્રાફર દિલીશ પારેખને તેમના પિતાના ૬૦૦ કૅમેરા વસિયતમાં મળ્યા હતા. તેમને પિતાનું કૅમેરાનું કલેક્શન કરવાનું બાદમાં ખૂબ ગમ્યું હતું અને તેમણે પોતાની પાસે ન હોય એવા ઍન્ટિક કૅમેરાની શોધ શરૂ કરીને ક્લેક્શન શરૂ કર્યું હતું
ઍન્ટિક કૅમેરાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ ધરાવતા પ્રસિદ્ધ ગુજરાતી ફોટોગ્રાફરનું અવસાન
મુંબઈ : ૪,૪૨૫ ઍન્ટિક કૅમેરા એકઠા કરવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ ધરાવતા સુપ્રસિદ્ધ ગુજરાતી ફોટોગ્રાફર દિલીશ પારેખનું પહેલી ફેબ્રુઆરીએ ૬૯ વર્ષની ઉંમરે મુંબઈમાં અવસાન થયું હતું. તેમના કૅમેરાના કલેક્શનમાં લીઇકાસ, રોલીફ્લેક્સી, કેનન, નિકોન, કોડક, ઝીઇસ અને લીનોફ વગેરેનો સમાવેશ થાય છે. દાયકાઓ સુધી તેમણે ખૂબ જહેમત ઉઠાવીને ૪,૪૨૫ ઍન્ટિક કૅમેરા એકઠા કર્યા હતા.
ફોટોગ્રાફર દિલીશ પારેખને તેમના પિતાના ૬૦૦ કૅમેરા વસિયતમાં મળ્યા હતા. તેમને પિતાનું કૅમેરાનું કલેક્શન કરવાનું બાદમાં ખૂબ ગમ્યું હતું અને તેમણે પોતાની પાસે ન હોય એવા ઍન્ટિક કૅમેરાની શોધ શરૂ કરીને ક્લેક્શન શરૂ કર્યું હતું. આવી રીતે તેમણે વર્ષો સુધી જુદા-જુદા કૅમેરા શોધવાનું ચાલુ રાખ્યું હતું અને તેમનું કલેક્શન ખૂબ મોટું થઈ ગયું હતું.
ADVERTISEMENT
દિલીશ પારેખના કૅમેરાના કલેક્શનમાં ભારતના પહેલા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના પહેલા સંસદ સત્રનું કવરેજ કરવામાં આવ્યું હતું એ કોડક પૅનોરૅમિક કૅમેરાનો પણ સમાવેશ થાય છે. તેમના કલેક્શનમાં બીજો મૂલ્યવાન કૅમેરો હતો બેસ્સના૨, જે ૧૯૬૨માં વોઇગટલેન્ડર દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો અને જપાનનો રૉયલ પરિવાર ઉપયોગ કરતો હતો એ કૅમેરા છે.
૧૯૦૭માં કૅમેરાની એક ક્લિકમાં સ્ટૅમ્પ સાઇઝના ૧૫ ફોટા ખેંચી શકાતા હતા એ કૅમેરા દિલીશ પારેખે મુંબઈની ચોરબજારમાંથી ખરીદ્યો હોવાનું તેમણે કહ્યું હતું. આ ચોરબજારમાંથી જ તેમણે અનેક ઍન્ટિક કૅમેરા ખરીદ્યા હતા.
દિલશ પારેખના પરિવારમાં પત્ની બિનીતા, પુત્રો અને પુત્રવધૂઓ જય-કૃપાલી તથા હર્ષ-વિધિ તેમ જ પૌત્રો કવીર અને અહાનનો સમાવેશ થાય છે.