નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’માં જે કૅશલેસ-ડે માટેની વાત કરી અને સાગરિકા શાહની આખા દિવસની સ્ટોરી વિડિયો સાથે જગતભરને દેખાડી એ ગુજરાતી ગર્લ છે ભાઈંદરની
‘મન કી બાત’માં વડા પ્રધાને સાગરિકા અને તેની ફ્રેન્ડના કૅશલેસ-ડે એક્સપરિમેન્ટનાં ખૂબ વખાણ કર્યાં હતાં.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ રવિવારે કરેલી ‘મન કી બાત’માં કૅશલેસ-ડેની એક સ્ટોરીની વાત કરી હતી. મોદીજીએ જે કૅશલેસ-ડેની સ્ટોરી વિડિયો સહિત દેખાડી હતી એ બીજું કોઈ નહીં, પણ ભાઈંદર-વેસ્ટમાં સ્ટેશન રોડ પર રહેતી ૨૫ વર્ષની ગુજરાતી યુવતી સાગરિકા શાહની હતી. નરેન્દ્ર મોદીએ સાગરિકા અને તેની ફ્રેન્ડના નામ સાથે આખી સ્ટોરી દેખાડી અને તેમના આ એક્સપરિમેન્ટનાં ખૂબ વખાણ કર્યાં હતાં.
કૅશલેસ-ડેની વાત કરતાં તેમણે ‘મન કી બાત’માં કહ્યું હતું કે ‘મને ખૂબ આશ્ચર્ય થયું કે દિલ્હીની બે યુવતી સાગરિકા અને પ્રેક્ષાએ એક સોશ્યલ એક્સપરિમેન્ટ કર્યો હતો. આ બન્ને દીકરીઓ સંકલ્પ લઈને નીકળી હતી કે આખો દિવસ બહાર રહીશું, પણ એક પણ રૂપિયો કૅશ વાપરીશું નહીં. તેઓ દિલ્હીમાં અનેક ઠેકાણે ગઈ અને ફક્ત ડિજિટલ પેમેન્ટ જ કર્યું હતું. તેમને દરેક ઠેકાણે ડિજિટલ પેમેન્ટની સુવિધા મળી ગઈ હતી. યુપીઆઇ, ક્યુઆર કોડ મળતાં તેમને કૅશ કઢાવવાની જરૂર જ નહોતી પડી. સ્ટ્રીટ-ફૂડથી લઈને ટપરી પરની દુકાનો પર પણ તેમને ઑનલાઇન ટ્રાન્ઝૅક્શનની સુવિધા મળી હતી. આ સુવિધા દિલ્હીમાં જ નહીં, દેશભરમાં અને ગામડાંઓમાં પણ મળી રહે છે.’
ADVERTISEMENT
મારી પૌત્રીને નરેન્દ્ર મોદીએ જગતભરમાં સારા ઉદ્દેશથી દેખાડી એટલે ખૂબ ગર્વ થાય છે એવું કહેતાં ભાઈંદરમાં રહેતા સાગરિકાના દાદા જવાહર શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી પત્ની માલતી ૬ વર્ષ પહેલાં ગુજરી ગઈ હતી અને એના ૧૪ જ મહિનામાં મારો દીકરો અને સાગરિકાના પપ્પા નિકેશ પણ ગુજરી ગયા. આમ અમે પરિવારના બે જણ ગુમાવી બેઠા હતા. એમ છતાં અમે બધાએ અને ખાસ કરીને મારી વહુ તેજલે ખૂબ હિંમત રાખીને દીકરીના અભ્યાસમાં ખાસ ધ્યાન આપ્યું હતું. તેજલ એક જર્મન કંપનીમાં ફાઇનૅન્સ મૅનેજર તરીકે કામ કરે છે અને સાગરિકા હાલમાં યુએનની એક કંપની સાથે કામ કરે છે. તે ફાઇનૅન્સ સંબંધી કામકાજ કરે છે અને ભણવામાં ખૂબ હોશિયાર છે. હોશિયાર હોવાથી તેણે ઑફિસના કામને લઈને ભારતભરમાં ફરવું પડે છે. આ વખતે દિલ્હી ગઈ હતી ત્યારે તેણે આ સોશ્યલ એક્સપરિમેન્ટ કર્યો હતો જેની નોંધ મોદીજીએ લીધી હતી. ‘મન કી બાત’માં સાગરિકાને જોઈને મને અસંખ્ય ફોન આવ્યા હતા અને ખૂબ ગર્વ થયો છે. આવા સોશ્યલ વિષય માટે અને લોકોને જાગ્રત કરવા આપણા વડા પ્રધાન જો મારી પૌત્રીનાં વખાણ કરે તો એનાથી વધુ બીજું આપણને શું જોઈએ.’
સાગરિકા શાહે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘કામને લઈને હું દિલ્હી ગઈ ત્યારે એક દિવસ કૅશલેસ વિતાવવો છે એવું વિચારીને આ એક્સપરિમેન્ટ કર્યો હતો. યુટ્યુબ પર અમે એક વિડિયો અપલોડ કર્યો હતો. આ વાતની નોંધ લઈને અમારો સંપર્ક કરીને અમને અમારો અનુભવ શૅર કરવાનું કહ્યું હતું.’