કેમ કે મંગળવારે રજા હતી અને ગઈ કાલે તેમની હડતાળ હતી : પોસ્ટ-ઑફિસમાં છે રાખડીઓ જૅમ : આ ઉપરાંત તેમને તિરંગાના વિતરણની વધારાની કામગીરી પણ સોંપવામાં આવી
ખાનગીકરણના વિરોધમાં ગઈ કાલે દેશવ્યાપી પોસ્ટ-યુનિયનોની હડતાળને કારણે દાદરની પોસ્ટ-ઑફિસ બંધ રહી હતી. (તસવીર : આશિષ રાજે)
ખાનગીકરણના વિરોધમાં ગઈ કાલે મહારાષ્ટ્ર સહિત દેશભરનાં પોસ્ટ-યુનિયનો દ્વારા હડતાળ પાડવામાં આવી હતી અને મંગળવારે મોહરમની જાહેર રજા હતી. આ બધાને કારણે ઘણી બહેનોએ પોતાના ભાઈઓને પોસ્ટ દ્વારા મોકલેલી રાખડીઓ પોસ્ટ-ઑફિસનાં પાર્સલોમાં પડી રહેવાની ફરિયાદો ઊઠી છે. સોમવાર સાંજ બાદ રાખડીઓનું વિતરણ બંધ થયું છે. આજે રક્ષાબંધન હોવાથી જે બહેનોએ સામાન્ય પોસ્ટ દ્વારા રાખડી મોકલી હશે તેમના ભાઈઓના હાથ ખાલી જ રહે એવી ભારોભાર શક્યતા છે.
બહેનોએ દસ દિવસ પહેલાં મોકલેલી રાખડી હજી સુધી ભાઈઓના ઘરે પહોંચી શકી નથી. આ વિશે પોસ્ટ-ઑફિસમાં તપાસ કરતાં ખબર પડી કે ખાનગીકરણના વિરોધમાં ગઈ કાલે પોસ્ટ-ઑફિસના ક્લર્ક કક્ષાના કર્મચારીઓએ રજા પાડી હતી. હડતાળ પર જનારા કર્મચારીઓનું કહેવું હતું કે આ તો માત્ર સાંકેતિક હડતાળ હતી, આંદોલનને હજી વધારે ઉગ્ર બનાવવામાં આવશે. હડતાળને કારણે ગઈ કાલે સ્પીડ પોસ્ટ, રજિસ્ટર, તિરંગાના વિતરણ તેમ જ પોસ્ટના વિતરણની કામગીરી પ્રભાવિત થઈ હતી.
ADVERTISEMENT
દેશભરમાં હાલ હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત લોકો પોતાનાં ઘરો, ઑફિસ તેમ જ કાર્યાલય પર તિરંગો ફરકાવી શકશે. તિરંગાના વેચાણની કામગીરી દેશભરની પોસ્ટ-ઑફિસોને સોંપવામાં આવી છે. જોકે એની અસર રાખડીની પોસ્ટના વિતરણ પર પડી છે. મુંબઈના કેટલાક પોસ્ટમેનને આ વિશે પૂછતાં તેમણે કહ્યું કે રક્ષા બંધનની પહેલાંના દિવસોમાં આમ પણ સામાન્ય દિવસો કરતાં વધારે પોસ્ટ આવે છે. ઉપરાંત આ વખતે તેમને પોસ્ટ ઉપરાંત રાષ્ટ્રધ્વજ પણ સાથે લઈ જવા માટે જણાવવામાં આવ્યું છે જેથી કોઈ વ્યક્તિ માગે તો તેને પચીસ રૂપિયાનો એક પ્રમાણે ઝંડો આપી શકે. પોસ્ટના એક અધિકારીને આ વિશે પૂછતાં તેમણે કહ્યું કે ‘એક પોસ્ટમૅન સામાન્ય રીતે ૨૦૦ પોસ્ટનું વિતરણ કરી શકે છે. હાલ તેની પાસે ૧૦૦૦ પોસ્ટ છે જેથી ૮૦૦ પોસ્ટ તો એમ જ પડી રહેવાની. મોટાં-મોટાં પાર્સલોને તો હાલ ખોલવાની જ ના પાડી દીધી છે.’
આ બાબતે જનરલ પોસ્ટ ઑફિસના ચીફ પોસ્ટ માસ્ટર જનરલ વીણા શ્રીનિવાસ સાથે વાત કરવાની કોશિશ કરવા છતાં તેઓ મળી નહોતા શક્યા.