શિવસેનાના સત્તાસંઘર્ષના કાનૂની દાવપેચમાં સુપ્રીમ કોર્ટમાં ચાલતી સુનાવણીમાં ખંડપીઠનું મહત્વનું અવલોકન
ફાઇલ તસવીર
મુંબઈ : શિવસેનાના સત્તાસંઘર્ષની સુપ્રીમ કોર્ટમાં પાંચ જસ્ટિસની ખંડપીઠ સમક્ષ ચાલી રહેલી સુનાવણી નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. ગઈ કાલે ત્રીજા દિવસે હાથ ધરવામાં આવેલી સુનાવણીમાં ચીફ જસ્ટિસે મહત્ત્વનું નિરીક્ષણ કરતાં કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાનપદથી આપેલું રાજીનામું ભૂલ હતી. એ સમયે જો ફ્લોર-ટેસ્ટ જ નહોતી થઈ એટલે કોર્ટ પહેલાંની પરિસ્થિતિ બાબતે કેવી રીતે કોઈ નિર્ણય આપી શકે? કોર્ટના આવા અવલોકન પરથી જણાઈ આવે છે કે મુખ્ય પ્રધાનપદેથી ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપ્યું હતું એ ભૂલ કાનૂની લડતમાં તેમને નડી શકે છે.
શિવસેનામાં સત્તાસંઘર્ષ બાબતની સુનાવણી ગઈ કાલે ત્રીજા દિવસે પણ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડ, જસ્ટિસ એમ. આર. શાહ, જસ્ટિસ કૃષ્ણ મુરારી, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પી. એસ. નરસિંહા સહિતના પાંચ જસ્ટિસની ખંડપીઠ સમક્ષ હાથ ધરવામાં આવી હતી. ગઈ કાલે ઉદ્ધવ ઠાકરે જૂથ વતી ઍડ્વોકેટ કપિલ સિબલ અને ઍડ્વોકેટ અભિષેક મનુ સિંઘવીએ ફ્લોર-ટેસ્ટ, રાજ્યપાલની ભૂમિકા અને એકનાથ શિંદે જૂથના વિધાનસભ્યો ગુવાહાટી કેમ ગયા એના પર દલીલો કરી હતી.
ADVERTISEMENT
સુનાવણીમાં ઉદ્ધવ ઠાકરે જૂથના વકીલોએ શિવસેનાના વિધાનસભ્યોના બળવાને લીધે મહાવિકાસ આઘાડી સરકાર તૂટી પડી હોવાનો દાવો કરતાં સુપ્રીમ કોર્ટે એ સમયની સ્થિતિ બાબતે નિર્ણય આપવાની માગણી કરી હતી. જવાબમાં ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડે કહ્યું હતું કે ‘તમે ફ્લોર-ટેસ્ટ પહેલાંની સ્થિતિની વાત કરો છો, પણ સરકાર ટકાવી રાખવા માટે જરૂરી ફ્લોર-ટેસ્ટ નહોતી કરી અને એ પહેલાં જ સરકારના મુખ્ય પ્રધાને રાજીનામું આપી દીધું હતું. મુખ્ય પ્રધાને રાજીનામું ન આપ્યું હોત અને ફ્લોર-ટેસ્ટ હાથ ધરવામાં આવી હોત તો શિવસેનાના ૩૯ વિધાનસભ્યોને અપાત્ર ઠેરવવા બાબતે વિચારી શકાત. આ વિધાનસભ્યોએ કોઈ મતદાનના વિરોધમાં મત નથી આપ્યા. ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાનપદેથી આપેલું રાજીનામું તેમના પક્ષની મોટી મુશ્કેલી છે.’
ઉદ્ધવ ઠાકરે જૂથના ઍડ્વોકેટ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે ‘ચૂંટણી પંચના નિર્ણયમાં શિવસેનામાં ભંગાણ થયું હોવાનો ઉલ્લેખ છે. રાજ્યપાલના અધિકાર બાબતે દસમી સૂચિનો વિચાર થવો જોઈએ. સભાગૃહની અંદરના બંધારણ સાથે રાજ્યપાલનો કોઈ સંબંધ નથી હોતો. રાજ્યપાલના પણ રાજકીય સંબંધ હોય છે.’
ઍડ્વોકેટ કપિલ સિબલે દલીલ કરી હતી કે ‘શિવસેનાની સરકાર હોવા છતાં શિવસેનાના જ વિધાનસભ્યો કેવી રીતે સરકાર પાડી શકે? શિવસેનાના જ વિધાનસભ્યો અવિશ્વાસનો પ્રસ્તાવ કેવી રીતે લાવી શકે? રાજ્યપાલે નિયમોને નેવે મૂકીને એકનાથ શિંદેને મુખ્ય પ્રધાનપદના શપથ લેવડાવ્યા. આમ કરીને રાજ્યપાલે અધિકારનો દુરુપયોગ કર્યો હતો. આ શપથવિધિ ખોટી ઠરે તો એકનાથ શિંદેની સરકાર તૂટી જશે.’
ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડે કપિલ સિબલને પૂછ્યું હતું કે રાજ્યપાલે વિધાનસભ્યોની પરેડ કરાવવાની જરૂર હતી? જવાબમાં કપિલ સિબલે કહ્યું હતું કે બીજેપી પાસે ૧૦૬ વિધાનસભ્યો છે, જ્યારે મહાવિકાસ આઘાડી પાસે ૧૨૩ વિધાનસભ્યો છે.’
ચીફ જસ્ટિસે કહ્યું હતું કે એકનાથ શિંદે જૂથના વિધાનસભ્યોએ બળવો કર્યા બાદ ઉદ્ધવ ઠાકરેની આગેવાનીની સરકારે બહુમતી ગુમાવી દીધી હતી.
પાંચ જસ્ટિસની ખંડપીઠે ગઈ કાલે ત્રીજા દિવસે ઉદ્ધવ ઠાકરે જૂથના વકીલોની દલીલો સાંભળ્યા બાદ કોઈ નિર્દેશ કે ચુકાદો નહોતો આપ્યો અને આગામી સુનાવણી ૨૮ ફેબ્રુઆરીએ હાથ ધરવાનું કહ્યું હતું. આગામી સુનાવણીમાં ખંડપીઠ એકનાથ શિંદે જૂથના વકીલોની દલીલ સાંભળી શકે છે અને બંને પક્ષની સુનાવણી પૂરી થયા બાદ આવતા મહિનાના પહેલા અઠવાડિયે ચુકાદો આપે એવી શક્યતા છે.