એને લઈને વિવાદ થતાં ભોઈવાડા પોલીસે માતા-પિતાનાં ડીએનએ સૅમ્પલ બાળક સાથે મૅચ કરાવવાની કાર્યવાહી શરૂ કરી
પ્રતીકાત્મક તસવીર
કેઈએમ હૉસ્પિટલમાં પ્રસૂતાને ડિલિવરી બાદ નર્સે કહ્યું કે બાબો આવ્યો છે અને ત્યાર પછી થોડી વારે તેને કહેવાયું કે દીકરી આવી છે. એથી પ્રસૂતા અને તેનો પતિ બંને વિચારમાં પડી ગયાં કે તેમને દીકરો અવતર્યો છે કે દીકરી? એથી આખરે આ બાબતે તેમને શંકા ગઈ હતી કે તેમને દીકરો આવ્યો હશે અને ત્યાર બાદ બદલી દેવાયો હશે. ભોઈવાડા પોલીસે આ સંદર્ભે માતા-પિતાનાં ડીએનએ સૅમ્પલ બાળક સાથે મૅચ કરાવવાની કાર્યવાહી શરૂ કરી છે. આ ચોંકાવનારી ઘટના ૨૦ સપ્ટેમ્બરે કેઈએમ હૉસ્પિટલમાં બની હતી. ડિલિવરી પછી નર્સ પ્રસૂતાને કહી ગઈ કે દીકરો આવ્યો છે. ત્યાર પછી થોડી વારે તેને એમ કહેવાયું કે દીકરો નહીં પણ દીકરી આવી છે. એથી મહિલાને શંકા ગઈ કે એ લોકોએ તેના દીકરાને બદલી નાખ્યો હોઈ શકે છે. એટલે તેણે પરિવારજનોને વાત કરી હતી અને ત્યાર બાદ તેમણે ભોઈવાડા પોલીસમાં ફરિયાદ કરી હતી.
ભોઈવાડા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સુભાષ બોરાટેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બાળકનાં માતા-પિતાની ઓળખ પ્રસ્થાપિત કરવા તેમનું ડીએનએ મૅચ કરવું એ જ ઉપાય છે. એથી અમે ડીએનએનાં સૅમ્પલ લીધાં છે અને એ બાળકના ડીએનએ સાથે મૅચ કરાશે ત્યાર બાદ જ સચ્ચાઈ જાણી શકાશે. જો એ ડીએનએ મૅચ નહીં થાય તો એ પછી એ બાળક તેમનું ન હોવાનું પુરવાર થશે અને એ પછી અમે એ બાબતે તપાસ કરીશું.’