નૅચરલના નામે લૅબગ્રોન ડાયમન્ડ પધરાવી દેવાની ઘટનાઓ હીરાબજારમાં બહાર આવી હોવાની બાબતે વેપારીઓને સાવધ કરવા બહાર પાડવામાં આવેલો સર્ક્યુલર વાઇરલ થતાં હીરાબજારમાં અલર્ટ: લૅબમાં ચેક કરાવવાના ૧૫,૦૦૦ રૂપિયા બચાવવા જતાં થઈ શકે છે છેતરપિંડી એવી ચેતવણી અપાઈ
પ્રતીકાત્મક તસવીર
હીરાબજારમાં નૅચરલ - રિયલ ડાયમન્ડના નામે સીવીડી, લૅબગ્રોન ડાયમન્ડ પધરાવી દેવાતા હોવાની ઘટનાઓ બહાર આવી હોવાથી હૉન્ગ કૉન્ગ ઇન્ડિયન ડાયમન્ડ અસોસિએશન (એચકેઆઇડીએ)એ આ બાબતે વેપારીઓને સાવધ કરવા બહાર પડેલો સર્ક્યુલર હાલ હીરાબજારનાં અનેક સોશ્યલ ગ્રુપમાં વાઇરલ થઈ ગયો છે અને એની ચર્ચાએ હીરાબજારમાં જોર પકડ્યું છે.
હીરાબજારની અનેક ઑફિસો હૉન્ગકૉન્ગમાં પણ ઑફિસો ધરાવે છે અને ત્યાં પણ ડાયમન્ડનું મોટું માર્કેટ છે. અનેક વેપારીઓ એચકેઆઇડીએના સભ્ય પણ છે. સાચા નૅચરલ ડાયમન્ડની જગ્યાએ કેટલીક પાર્ટીઓ દ્વારા લૅબગ્રોન ડાયમન્ડને સાચા જ બતાવીને વ્યવહાર કરાતો હોવાનું બહાર આવતાં વેપારીઓ સાથે છેતરપિંડી થઈ રહી હતી. આ ફફડાટ સામે વેપારીઓને સાવચેત કરવા તેમણે ૨૮ જુલાઈએ જ સર્ક્યુલર બહાર પાડ્યો છે જેમાં કહેવાયું છે કે હૉન્ગ કૉન્ગ અને ઓવરસીઝ (જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે)માં સાચા હીરાની જગ્યાએ લૅબગ્રોન હીરાને સાચા કહી વ્યવહાર થાય છે અને એમાં પણ જીઆઇએનું સર્ટિફિકેટ અપાય છે, પણ જ્યારે એ ડાયમન્ડ લૅબમાં ચેક કરાવાય છે ત્યારે જ જાણ થાય છે કે એ નૅચરલ નહીં પણ લૅબગ્રોન ડાયમન્ડ છે એટલે સાવચેત રહો.
ADVERTISEMENT
વાઇરલ થયેલો હૉન્ગ કૉન્ગ ઇન્ડિયન ડાયમન્ડ અસોસિએશનનો સર્ક્યુલર
આ બાબતે રાધાકૃષ્ણ એક્સપોર્ટના રાહુલ ધોળકિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દરેક માર્કેટમાં આવા એકથી બે ટકા લોકો હોય છે. જોકે તેઓ લાંબું ન ટકે. જે પાર્ટીને બીજી કે ત્રીજી વાર માર્કેટમાં ધંધો કરવો હોય તેઓ આવું નથી કરતી. બી-ટુ-બી બિઝનેસને આનાથી બહુ મોટો ફરક નથી પડતો, પણ બી-ટુ-સી જેમાં માલ ડાયરેક્ટ કન્ઝ્યુમરને વેચાતો હોય છે એમાં આવું થઈ શકે. માર્કેટભાવ કરતાં થોડા ઓછા ભાવમાં એ ઑફર થતા હોવાથી લોભમાં ને લોભમાં લોકો ફસાય છે. કેટલાક લોકો આવું કરે છે. લાખોની સંખ્યામાં બિઝનેસ થતા હોય ત્યારે આવું થોડું થતું હોય છે. જોકે હું આને પૉઝિટિવ રીતે એ રીતે જોઈશ કે આનાથી જે લોકો માર્કેટમાં વર્ષોથી કામકાજ કરતા આવ્યા છે તેમના પર લોકોનો વિશ્વાસ વધશે. જે લોકો સાથે ધંધો કરો છો, જેમને ઓળખો છો તેમના પરનો વિશ્વાસ વધુ દૃઢ થશે. આનાથી ઊલટાનું સારી પાર્ટીઓ પર વિશ્વાસનું પ્રમાણ વધશે. એવું બનતું હોય છે કે ૧૦ સારી ચીજો બને એના પર આપણું ધ્યાન ન જતું હોય, પણ એકાદ ઍક્સિડન્ટ થાય તો તરત જ બધાનું ધ્યાન જાય. સારા અને સાચા માણસો લાલચથી દૂર રહે છે.’
નૅચરલ ડાયમન્ડનો વ્યવસાય કરતા નવીન અદાણીએ આ બાબતે મિડ-ડે ને કહ્યું હતું કે ‘નૅચરલ પણ કલર ડાયમન્ડ હોય એને હાઈ પ્રોસેસ કરીને વાઇટ બનાવાતો હોય છે અને એ પછી એને જીઆઇએ અથવા જીઆઇજી અંતર્ગત સર્ટિફાઇ કરાવાતો હોય છે. બજારમાં જીઆઇએ અને જીઆઇજી બંનેને માન્યતા છે અને એના પર ભરોસો છે. કેટલાક લેભાગુઓ શું કરે કે માર્કેટમાંથી એવાં પહેલાંનાં સર્ટિફિકેટ શોધી કાઢીને ત્યાર બાદ એના આધારે લૅબગ્રોન ડાયમન્ડને નૅચરલ કહીને પકડાવી દે છે, વેચી દે છે. એ નૅચરલ ડાયમન્ડ જ છે કે કેમ એ જો ચેક કરવું હોય તો એને ફરી જીઆઇએમાં લૅબમાં ચેક કરાવવો પડે અને એ માટે ૧૫,૦૦૦ રૂપિયા જેવો ખર્ચ પણ આવે. એ ખર્ચ બચાવવા અને વિશ્વાસના આધારે એ સાચો, નૅચરલ ડાયમન્ડ જ માનીને લોકો લઈ લે છે. પછી જ્યારે કાઢવાનો હોય ત્યારે એનું ચેકિંગ થાય ત્યારે એમાં છેતરપિંડી થઈ હોવાનું બહાર આવે છે. આમ કરવા પાછળનું મુખ્ય કારણ બંને વચ્ચેનો ભાવફરક છે જે જમીન-આસમાન જેટલો છે. નૅચરલની કિંમતના ૨૦ ટકામાં લૅબગ્રોન મળી જતા હોય છે અને ચેક કરાવ્યા વગર એ સાચો છે કે લૅબગ્રોન એની જાણ થતી નથી.’
અન્ય એક વેપારી વીરેન્દ્ર શાહે કહ્યું હતું કે ‘લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે એના જેવું છે. થોડાઘણા પૈસા બચાવવાની લાલચમાં લૅબમાં ટેસ્ટિંગ ન કરાવતાં જ્યારે આવા વ્યવહાર થાય ત્યારે છેતરાવાની શક્યતા બહુ વધી જાય છે. આપણે જ્યારે શાકભાજી પણ ચેક કરીને લેતા હોઈએ ત્યારે હીરા લૅબમાં ચેક કર્યા વગર લેવા એ જોખમી છે. દરેક ધંધામાં બે નંબરનું કામ થતું હોય છે, પણ ગોલ્ડ અને ડાયમન્ડમાં એ સૌથી વધારે છે. આમાં જ્યાં સુધી આપણે વેપારીઓ ડિસિપ્લિન રાખીશું ત્યાં સુધી વાંધો નહીં આવે. આપણે વિચારવાનું છે કે આપણે ક્યાં ખોટા છીએ. ઑર્ગેનાઇઝેશન લેવલ પર પણ આનું સૉલ્યુશન આવવું જોઈએ. આ બાબતે નિયમ તો છે જે કે જો તમે આર્ટિફિશ્યલ ડાયમન્ડમાં ડીલ કર્યું હોય તો એનો સ્ટૅમ્પ એ પાર્સલ પર મારવો જરૂરી છે. એટલું જ નહીં, એ માટેના પાર્સલનો કલર પણ અલગ નક્કી થયો છે. જોકે એ ફૉલો કરાતું નથી. એનું સ્ટ્રિક્ટ્લી પાલન થવું જોઈએ. તો જ એના પર કન્ટ્રોલ આવી શકે.’