ધારાવીનું રીડેવલપમેન્ટ કરી રહેલી નવભારત મેગા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડે DRP અને SRA સાથે મળીને સર્વે હાથ ધર્યો છે. એ અંતર્ગત હજી પણ ધારાવીના જે રહેવાસીઓએ તેમના ડૉક્યુમેન્ટ્સ- દસ્તાવેજ સબમિટ ન કર્યા હોય તેમને એ સબમિટ કરવાની મુદત ૧૫ એપ્રિલ સુધી લંબાવી.
ધારાવી સ્લમ
ધારાવીનું રીડેવલપમેન્ટ કરી રહેલી નવભારત મેગા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડે ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ (DRP) અને સ્લમ રીહૅબિલિટેશન ઑથોરિટી (SRA)સાથે મળીને સર્વે હાથ ધર્યો છે. એ અંતર્ગત હજી પણ ધારાવીના જે રહેવાસીઓએ તેમના ડૉક્યુમેન્ટ્સ- દસ્તાવેજ સબમિટ ન કર્યા હોય તેમને એ સબમિટ કરવાની મુદત ૧૫ એપ્રિલ સુધી લંબાવી આપી છે. આ ડૉક્યુમેન્ટ્સના આધારે નક્કી થશે કે તેમને ધારાવીમાં જ ફ્રીમાં જગ્યા મળશે કે પછી બહાર ભાડાની જગ્યા ફાળવવામાં આવશે. રવિવારે આ બાબતે છાપામાં જાહેરાત પણ આપવામાં આવી હતી કે જે લોકોએ હજી પણ સર્વે ન કરાવ્યો હોય એ વહેલી તકે કરાવી લે. ઘર, દુકાન અને ફૅક્ટરીની જગ્યા એ બધાનું પ્લાનિંગ અને ત્યાર બાદ ડેવલપમેન્ટ રાજ્ય સરકારની પૉલિસી મુજબ કરવામાં આવશે.
કૉન્ગ્રેસ અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT) ધારાવી રીડેવલપમેન્ટનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ધારાવીમાં રહેતા દરેકને ધારાવીમાં જ જગ્યા મળવી જોઈએ. ધારાવી રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ લેનારી મુખ્ય કંપની અદાણી રિયલ્ટીનો તેઓ વિરોધ કરી રહ્યા છે અને આ બે પાર્ટીની વાત માનનારા ધારાવીના લોકોએ તેમના ઘરનો સર્વે નથી કરાવ્યો. સર્વે કરી રહેલી DRP અને SRAએ બહુ સ્પષ્ટ કહ્યું છે કે જે લોકોએ સર્વે નહીં કરાવેલો હોય તેમને રીહૅબિલિટેશન, પુનર્વસન માટે ગણતરીમાં નહીં લેવાય. અત્યાર સુધી ૯૫,૦૦૦ સ્ટ્રક્ચર્સની ગણતરી થઈ છે અને એમાંથી ૬૩,૦૦૦ લોકોએ તેમના ડૉક્યુમેન્ટ્સ સબમિટ કરી દીધા છે. આમાં બે માળ સુધીનાં સ્ટ્રક્ચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ પ્રોજેક્ટનો માસ્ટર પ્લાન જાહેર કરવામાં આવે એવી શક્યતા છે.

