આ કેસમાં ધારાવી પોલીસે છ પુરુષો અને એક મહિલા આરોપીની ધરપકડ કરી છે
ક્રાઇમ બ્રાન્ચ યુનિટ – પાંચએ ગઈ કાલે ધારાવી મર્ડરકેસમાં સંડોવાયેલા ગુનેગારોને પકડી લીધા હતા અને તેમની પાસેથી બે દેશી પિસ્ટલ, એક દેશી કટ્ટો, ૧૫ બુલેટ, બે ચૉપર અને એક કોયતો જપ્ત કર્યાં હતાં. (તસવીર : સુરેશ કરકેરા)
ધારાવીમાં ગૅન્ગ ચલાવતા આમિર અનિસ ખાનને પ્રતિસ્પર્ધી ગૅન્ગે ૧૨ ફેબ્રુઆરીએ સવારે ૧૦.૩૦ વાગ્યે ગોળીઓ મારી હતી. બીજા દિવસે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. આ કેસમાં ધારાવી પોલીસ સાથે એની સમાંતર તપાસ ચલાવી રહેલા ક્રાઇમ બ્રાન્ચ યુનિટ – પાંચ (કુર્લા)એ ઝીણવટભરી તપાસ કરીને આખરે પ્રતિસ્પર્ધી ગૅન્ગના લીડર કલીમ રઉફ સૈયદ સહિત છ પુરુષો અને એક મહિલા આરોપીની ધરપકડ કરી છે. બન્ને ગૅન્ગ વચ્ચે વર્ચસ જમાવવાની હોડમાં આ હત્યા કરાઈ હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવ્યું હતું.
ઘટનાના દિવસે આમિર ધારાવી પીલા બંગલા પાસેના ખાડી વિસ્તારમાં ટૉઇલેટ ગયો હતો ત્યારે કલીમની ગૅન્ગ ત્રાટકી હતી અને તેના તરફ આઠ ગોળી ફાયર કરી હતી. એમાંની બે ગોળી તેને વાગી હતી. એક ગોળી તેના ખભામાં વાગી હતી, જ્યારે એક ગોળી પેટમાં વાગી હતી. બીજા દિવસે સારવાર દરમિયાન આમિરનું મૃત્યુ થયું હતું. પોલીસે હત્યાનો કેસ નોંધીને કેસની તપાસ શરૂ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચ યુનિટ પાંચ – કુર્લાના અધિકારીઓએ સમાંતર તપાસ ચાલુ કરી હતી. કલીમનો ફોન સતત સ્વિચ્ડ-ઑફ આવતો હતો. જોકે તેના જૂના નંબર પરથી તે કોની-કોની સાથે સંપર્કમાં હતો, એ લોકો અત્યારે ક્યાં છે, તેમનું લોકેશન શું છે એ જાણી તેમની પાછળ પડીને તેમને અલગ-અલગ જગ્યાએથી ઝડપી લેવાયા હતા. તેમની પાસેથી બે દેશી પિસ્ટલ, એક દેશી કટ્ટો, ૧૫ બુલેટ, બે ચૉપર અને એક કોયતો જપ્ત કરાયાં હતાં.