આ અપીલમાં ધનંજય મુંડેએ એવો દાવો કર્યો છે કે તેમણે કરુણા સાથે લગ્ન નથી કર્યાં. તેમનું કહેવું છે કે મૅજિસ્ટ્રેટે ભૂલથી તેમને પતિ-પત્ની સમજીને વચગાળાનો આદેશ આપ્યો હતો.
કરુણા મુંડે
ગયા મહિને મૅજિસ્ટ્રેટ કોર્ટે રાજ્યના ફૂડ ઍન્ડ સિવિલ સપ્લાઇઝ ખાતાના પ્રધાન ધનંજય મુંડેને તેમની પહેલી પત્ની કરુણા મુંડેને મહિને બે લાખ રૂપિયા આપવાનો જે વચગાળાનો આદેશ આપ્યા હતો એની ખિલાફ ધનંજય મુંડેએ સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી છે.
આ અપીલમાં ધનંજય મુંડેએ એવો દાવો કર્યો છે કે તેમણે કરુણા સાથે લગ્ન નથી કર્યાં. તેમનું કહેવું છે કે મૅજિસ્ટ્રેટે ભૂલથી તેમને પતિ-પત્ની સમજીને વચગાળાનો આદેશ આપ્યો હતો. ધનંજય મુંડેએ દાખલ કરેલી અપીલમાં કહેવામાં આવ્યું છે કે ‘અમે એક પૉલિટિકલ ફંક્શનમાં મળ્યાં હતાં. ત્યાર બાદ વારંવાર મળવાને લીધે અમારી વચ્ચે પર્સનલ સંબંધો બંધાયા હતા. આ સંબંધોને લીધે બે બાળકનો જન્મ થયો હતો જેને મારું નામ આપવામાં આવ્યું છે. કરુણાને મારાં લગ્ન થઈ ગયાં હતાં એની જાણ હતી અને તેણે પોતાની મરજીથી મારી સાથે સંબંધ રાખ્યા હતા.’
ADVERTISEMENT
જોકે ૨૦૧૯માં વિધાનસભાની ચૂંટણી જીતીને રાજ્યમાં પ્રધાન બન્યા બાદ કરુણાના વર્તનમાં ફરક આવી ગયો હતો, ત્યાર બાદ મેં મારી પત્ની રાજશ્રી મુંડે સાથે મારા મુંબઈના સત્તાવાર નિવાસસ્થાને રહેવાનું શરૂ કરી દીધું હોવાનું અપીલમાં કહેવામાં આવ્યું છે.
ધનંજય મુંડે દ્વારા કરુણા પર જુદાં-જુદાં બહાને પૈસા પડાવવાનો આરોપ પણ કરવામાં આવ્યો છે. આ અપીલના સંદર્ભમાં કરુણા મુંડેએ પોતાનો જવાબ દાખલ કરવા માટે કોર્ટ પાસેથી મુદત માગી છે. જોકે કોર્ટે તેને ૨૧ માર્ચે થનારી આગામી સુનાવણી પહેલાં જવાબ નોંધાવવાનો નિર્દેશ આપ્યો છે.

