મંદિરના સંચાલકોએ ભક્તોને ગભરાઈને ભાગવાને બદલે એક જગ્યાએ શાંતિથી બેસી જવાની અપીલ કરી હતી.
મધમાખીથી બચવાનો પ્રયાસ કરી રહેલા ભક્તો.
લોનાવલા પાસે આવેલા એકવીરા માતાના મંદિરમાં લોકો બુધવારે બપોરનાં દર્શન કરી રહ્યાં હતાં ત્યારે અચાનક મધમાખીઓનું ઝૂંડ તેમના પર ત્રાટક્યું હતું. મધમાખીઓએ ડંખ મારતાં અનેક ભક્તોને ઈજા થઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. લોનાવલા પોલીસના જણાવ્યા મુજબ બુધવારે બપોરના ૧ વાગ્યે કેટલાક લોકો એકવીરા માતાનાં દર્શને આવ્યાં હતાં. એમાંથી કોઈકે નવા વર્ષના આગમનની ઉજવણી કરવા માટે ફટાકડા ફોડ્યા હતા. ફટાકડાનો કલરફુલ ધુમાડો મંદિરની પાસેના મધપૂડા સુધી પહોંચ્યો હતો જેને લીધે મધપૂડામાં બેસેલી માખીઓ એકસાથે ઊડવા લાગી હતી. આ સમયે મંદિરમાં મોટી સંખ્યામાં મહિલા અને બાળકો સાથેના ભક્તો હાજર હતા, એમના પર આ મધમાખીઓ ત્રાટકી હતી. મધમાખીઓના ડંખથી બચવા માટે લોકો દોડીને મંદિર પરિસરમાંથી બહાર નીકળ્યા હતા. મહિલાઓએ મધમાખીથી બચવા ઓઢણી કે સાડીથી બચવાનો પ્રયાસ કર્યો હતો. મંદિરના સંચાલકોએ ભક્તોને ગભરાઈને ભાગવાને બદલે એક જગ્યાએ શાંતિથી બેસી જવાની અપીલ કરી હતી. મધમાખીઓએ અનેક લોકોને ડંખ મારતાં તેમને પીડા થઈ હતી.

