દિશા સાલિયન પ્રકરણમાં આદિત્ય ઠાકરેનો સંબંધ હોવાના કાયદાકીય પુરાવાના રૂપે એક સોગંદનામું દેવેન્દ્ર ફડણવીસે સહી કરવા માટે મારી પાસે મોકલાવ્યું હતું.
અનિલ દેશમુખ, દિશા સાલિયન, આદિત્ય ઠાકરે, દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ અને અત્યારના નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે આરોપ અને પ્રતિઆરોપ થઈ રહ્યા છે ત્યારે ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં અનિલ દેશમુખે દેવેન્દ્ર ફડણવીસ પર ગંભીર આરોપ કરતાં કહ્યું હતું કે ‘દેવેન્દ્ર ફડણવીસ બૉલીવુડના દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની મૅનેજર દિશા સાલિયનના મૃત્યુના મામલામાં આદિત્ય ઉદ્ધવ ઠાકરેને જેલમાં બંધ કરવા માગતા હતા. દિશા સાલિયન પ્રકરણમાં આદિત્ય ઠાકરેનો સંબંધ હોવાના કાયદાકીય પુરાવાના રૂપે એક સોગંદનામું દેવેન્દ્ર ફડણવીસે સહી કરવા માટે મારી પાસે મોકલાવ્યું હતું. મેં આ સોગંદનામા પર સહી કરી હોત તો આદિત્ય અને ઉદ્ધવ ઠાકરે જેલમાં ગયા હોત. દેવેન્દ્ર ફડણવીસના વિશ્વાસુ એવા સમિત કદમ આ સોગંદનામું લઈને મારી પાસે આવ્યા હતા.’
જોકે જનસુરાજ્ય શક્તિ પક્ષના યુવા પ્રદેશાધ્યક્ષ સમિત કદમે આ વિશે કહ્યું હતું કે ‘અનિલ દેશમુખ એ સમયે રાજ્યના ગૃહપ્રધાન હતા. હું તેમના ઘરે ગયો હતો, પણ તેમના કહેવા પર હું ત્યાં ગયો હતો. એ સમયે તેમને ઝેડ પ્લસ સુરક્ષા હતી એટલે તેમની પરવાનગી વિના કોઈ અવરજવર ન કરી શકે. આ મીટિંગમાં તેમણે મને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને તત્કાલીન વિરોધી પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ સાથે વાત કરીને તેમની મુશ્કેલી દૂર કરવા કહ્યું હતું. આથી દેવેન્દ્ર ફડણવીસ સાથે આ મુલાકાતને કોઈ લેવાદેવા નથી. હું અમારા પક્ષનો પદાધિકારી છું એટલે રાજકીય નેતાઓને મળું છું એટલે દેવેન્દ્ર ફડણવીસ સાથેનો મારો ફોટો હોય એમાં કંઈ નવું નથી.’ કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે અનિલ દેશમુખના ગંભીર આરોપ વિશે દેવેન્દ્ર ફડણવીસે જવાબ આપવો જોઈએ એમ કહ્યું છે. જોકે ગઈ કાલ રાત સુધી દેવેન્દ્ર ફડણવીસે આ ગંભીર આક્ષેપ બાબતે કોઈ જવાબ નહોતો આપ્યો.