સેકન્ડ ટર્મમાં સીએમ તરીકે વાપસી કરીશ
વિધાનસભાની ચૂંટણી બીજેપી અને શિવસેના સાથે જ લડનાર હોવાનું ભારપૂર્વક મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. બીજેપીના રાજ્ય એકમની કારોબારીને સંબોધતાં ફડણવીસે જણાવ્યું હતું કે ‘મને વિશ્વાસ છે કે મુખ્ય પ્રધાન તરીકે હું બીજી ટર્મમાં વાપસી કરીશ. કેટલાક લોકો આ મુદ્દાને ચગાવી રહ્યા છે. એને બહુ મહત્ત્વ આપવાની જરૂર નથી. બન્ને પક્ષ વચ્ચે રાજ્યની બેઠકોની વહેંચણી ટૂંક સમયમાં કરવામાં આવશે. પક્ષના કાર્યકરોએ લોકસભાની ચૂંટણીના વિજયના ઉન્માદમાં રહેવાને બદલે વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરવાની છે.’
તાજેતરમાં મુખ્ય પ્રધાનપદ માટે શિવસેના તરફથી યુવા સેનાના પ્રમુખ આદિત્ય ઠાકરેનું નામ ચર્ચામાં વહેતું કરવાના અનુસંધાનમાં કટાક્ષ કરતાં મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ‘હું જેમ ફક્ત બીજેપીનો મુખ્ય પ્રધાન નથી, એમ ફક્ત શિવસેનાનો મુખ્ય પ્રધાન પણ નથી. હું બીજેપી અને શિવસેનાની ભગવી યુતિનો મુખ્ય પ્રધાન છું. મિત્ર પક્ષ પાસે બોલવાની ક્ષમતા ધરાવતા લોકો છે, એ રીતે અમારી પાસે પણ છે, પરંતુ એમની પાસે ઝાઝું બોલનારા લોકોની સંખ્યા વધારે છે.’
ADVERTISEMENT
મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ‘રાજ્યની જનતા મારે માટે દેવસમાન છે. મતદારોએ આપેલો જનાદેશ અમારે માટે ગર્વનો વિષય છે, પરંતુ એ બાબતનું કોઈએ અભિમાન રાખવું ન જોઇએ અને જનતાના વલણ, ઝુકાવ કે નિર્ણયો એક જ પ્રકારના રહેવાનું ધારી લેવું યોગ્ય નથી. આપણી લડાઈ પરાજિતો કૉન્ગ્રેસ-રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ) સામે હોવાથી કોઈ ભય નથી. વિરોધ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ, મહારાષ્ટ્ર એકમના પ્રમુખ અને મુંબઈ એકમના પ્રમુખ પણ હારી ગયા છે. વળી રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના પ્રમુખ તો ચૂંટણી લડ્યા જ નહીં. વંચિત બહુજન આઘાડીના પ્રમુખ પણ ચૂંટણીમાં હારી ગયા.’