અજિત પવારને બદનામ કરીને ઘરની કોઈ વ્યક્તિને હીરો બનાવવાનું કામ શરદ પવારે કર્યું હતું
દેવેન્દ્ર ફડણવીસ, શરદ પવાર અને અજીત પવાર
ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એક મરાઠી અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)માં ફૂટ પડવા વિશે મહત્ત્વની વાત કરી હતી. અજિત પવારના હાથમાંથી પક્ષ આંચકીને પોતાની વ્યક્તિને ધુરા સોંપવા માટે શરદ પવારે કેવી ચાલ રમી હતી એ વિશે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘શરદ પવારને BJP સાથે યુતિ કરવી હતી. ત્રણ વખત તેમણે આ માટેનો નિર્ણય લીધો હતો અને બાદમાં પાછીપાની કરી હતી. શરદ પવારના આ વર્તનનું વિશ્લેષણ કરતાં મને લાગે છે કે શરદ પવાર દરેક વખતે અજિત પવારને વિલન બનાવીને આગળ કરતા હતા. એની પાછળનું કારણ એ છે કે પક્ષ અજિત પવારના હાથમાં હતો. પક્ષમાં અજિત પવારનું વજન ઓછું નહોતું થતું. આથી અજિત પવારને વિલન બનાવવા માટેનો શરદ પવારે વિચાર કર્યો હતો. અજિત પવારને બદનામ કરીને ઘરની કોઈ વ્યક્તિને હીરો બનાવવાનું કામ શરદ પવારે કર્યું હતું, કારણ કે તેમને સત્તા જોઈતી હતી.’

