વિરોધ પક્ષના નેતા અજિત પવારે સત્તા-પરિવર્તન બાદ મંજૂર કરાયેલાં કામ રોકવા સંબંધી કરેલા સવાલના જવાબમાં દેવેન્દ્ર ફડણવીસે આપ્યો જવાબ
દેવેન્દ્ર ફડણવીસ
મુંબઈ ઃ મહારાષ્ટ્ર વિધાનસભાના નાગપુરમાં ચાલી રહેલા શિયાળુ સત્રના ગઈ કાલે બીજા દિવસે વિરોધ પક્ષના નેતા અજિત પવારે સત્તા-પરિવર્તન બાદ સરકારે મંજૂર કરાયેલાં કામ રોકવા બદલ રાજ્ય સરકારને સવાલ કર્યા હતા. જવાબમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘તમે સાત-સાત વખત ચૂંટાઈને આવ્યા છો. અમે ઓછી વખત ચૂંટાયા છીએ, પણ કેટલીક બાબતો અમે તમારી પાસેથી જ શીખી છે. ઉદ્વવ ઠાકરેની આગેવાનીની મહાવિકાસ આઘાડી સરકારે પણ અમે અગાઉ મંજૂર કરેલાં કામ રોક્યાં હતાં એટલે તમને આવો સવાલ કરવાનો અધિકાર નથી. જોકે અમે તમને અન્યાય નહીં કરીશું.’
શિયાળુ સત્રના બીજા દિવસે ગઈ કાલે વિધાનસભામાં કામકાજ શરૂ થયું ત્યારે વિરોધીઓએ ફરી એક વખત એકનાથ શિંદે સરકારનો જોરદાર વિરોધ કર્યો હતો. અજિત પવારે અત્યારની સરકાર પર આક્ષેપ કર્યો હતો કે તે અગાઉની સરકારના કામને રોકી રહી છે. તેમને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જવાબ આપ્યો હતો.
દેવેન્દ્ર ફડણવીસે અજિત પવારને જવાબ આપતાં વિધાનસભામાં કહ્યું હતું કે ‘તમે સાત-સાત વખત ચૂંટાઈને આવ્યા છો. અમે ઓછી વખત ચૂંટાયા છીએ, પણ કેટલીક બાબત અમે તમારી પાસેથી જ શીખ્યા છીએ. જે સમયે ઉદ્વવ ઠાકરેની આગેવાનીની મહાવિકાસ આઘાડી સરકાર અસ્તિત્વમાં આવી હતી ત્યારે તમે જ નાયબ મુખ્ય પ્રધાન હતા. તમે અમારા વિકાસનાં કામ રોક્યાં હતાં. તમે અમારી સાથે અન્યાય કર્યો હતો, પરંતુ અમે તમને અન્યાય નહીં કરીએ. અમે જરૂરી છે એ કામ પરના સ્ટે હટાવ્યા છે. જરૂરી હશે ત્યાં સત્તા પક્ષ કે વિરોધ પક્ષ વચ્ચે કોઈ ભેદભાવ રાખવામાં નહીં આવે. જરૂર હોય તો અમે તમને માહિતી આપીશું. મારા મતદાર ક્ષેત્રનાં કામ તમે રોક્યાં હતાં. અઢી વર્ષ બીજેપીના નેતાઓને એક રૂપિયો પણ તમે આપ્યો નથી. જોકે અમે બદલાની ભાવના રાખતા નથી. તમે જ્યાં ૨૦૦૦ કરોડની જોગવાઈ હતી ત્યાં ૬૦૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા હતા. આ કામના વર્કઑર્ડર કાઢ્યા હતા. આ રૂપિયા લાવવા ક્યાંથી?’
ADVERTISEMENT
આ પણ વાંચો:વિધાનસભાનું શિયાળુ સત્ર, આ મુદ્દાઓ પર સરકારને ઘેરશે વિપક્ષ
વિરોધ પક્ષોએ શિંદેનું રાજીનામું માગ્યું
વિધાનસભાના સત્રમાં ગઈ કાલે વિરોધ પક્ષોએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની સરકાર ભ્રષ્ટ હોવાનો દાવો કરીને તેમનું રાજીનામું માગ્યું હતું. એકનાથ શિંદે મહાવિકાસ આઘાડી સરકારમાં પ્રધાન હતા ત્યારે તેમણે સ્લમ માટેની જમીન પ્રાઇવેટ લોકોને ફાળવી હોવા બાબતની અરજી બૉમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચમાં કરવામાં આવી છે. આથી વિરોધ પક્ષના નેતાઓ અજિત પવાર, નાના પટોલે, પૃથ્વીરાજ ચવાણ, બાળાસાહેબ થોરાત અને શિવસેનાના વિધાનસભ્ય આદિત્ય ઠાકરે સહિતના નેતાઓએ વિરોધ-પ્રદર્શન કર્યું હતું અને એકનાથ શિંદેના રાજીનામાની માગણી કરી હતી. જોકે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં આ બાબતે જવાબ આપતાં કહ્યું હતું કે આવું કંઈ જ નથી થયું અને ખોટા આરોપ કરાઈ રહ્યા છે. એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરેની આગેવાનીની મહાવિકાસ આઘાડી સરકારમાં અર્બન મિનિસ્ટર હતા ત્યારે તેમણે ૬૦ કરોડ રૂપિયાની જમીન બે કરોડ રૂપિયામાં પ્રાઇવેટ વ્યક્તિને વેચી નાખવાનો આરોપ છે.
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૩૫૦૦ બેઠક મેળવવાનો બીજેપીનો દાવો
રાજ્યની ૭૭૫૧ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ૧૮ ડિસેમ્બરે મતદાન થયા બાદ ગઈ કાલે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ દાવો કર્યો હતો કે બીજેપી સમર્થિત ગ્રામ પંચાયતના ૩૫૦૦ સભ્યો અને એકનાથ શિંદે જૂથ સમર્થિત ૧૦૦૦ સભ્યો ચૂંટાઈ આવ્યા છે. જોકે કૉન્ગ્રેસે બીજેપીના પ્રદેશાધ્યક્ષના દાવાને ખાટો ઠેરવતાં કહ્યું હતું કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કૉન્ગ્રેસના એકલાના ૯૦૦ સરપંચ ચૂંટાઈ આવ્યા છે.
આ પણ વાંચો:લ્યો બોલો! શરદ પવાર સામે રાષ્ટ્રીય અધિવેશન બેઠકમાંથી અધવચ્ચેથી નીકળ્યા અજીત પવાર
ગોપીનાથ મુંડેના ગામમાં પંકજા-ધનંજય સાથે આવ્યાં
પંકજા મુંડે અને ધનંજય મુંડે કાયમ લડતાં-ઝઘડતાં હોય છે અને એકબીજાના વિરોધમાં નિવેદન આપતાં હોય છે, પરંતુ તેઓ પરળીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સાથે આવ્યાં હતાં. બીજેપીના સદગત નેતા ગોપીનાથ મુંડેનો જ્યાં જન્મ થયો હતો એ પરળીના નાથરા ગામમાં પંકજા મુંડે અને ધનંજય મુંડેના સાવકા ભાઈ અભય મુંડેનો વિજય થયો હતો. અહીં ગોપીનાથ મુંડેની પુત્રી પંકજા અને એનસીપીના નેતા ધનંજય મુંડેએ ગોપીનાથ મુંડેના સન્માનમાં ચૂંટણી લડવાને બદલે સાથે આવવાનો નિર્ણય લીધો હતો. આઠ સભ્યોની પૅનલ માટે બિનવિરોધ કરવાનો તેમણે નિર્ણય લીધો હતો. જોકે વંચિત બહુજન આઘાડીના ગૌતમ આદમે ચૂંટણીમાંથી નામ પાછું ન લેતાં અહીં ચૂંટણી યોજાઈ હતી. અભય મુંડેની પૅનલે તમામ આઠ બેઠક મેળવી હોવાનું જાણવા મળ્યું હતું. આમાં એનસીપીના પાંચ અને બીજેપીના ત્રણ સભ્ય ચૂંટાઈ આવ્યા હતા.