મોદી અને મોહન ભાગવતની નજીકના હોવાથી પર્ફેક્ટ ઉમેદવાર હોવાની ચર્ચા
દેવેન્દ્ર ફડણવીસ
લોકસભાની ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સરકારમાંથી બહાર નીકળીને ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંગઠન માટે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે એ સમયે પક્ષ દ્વારા કોઈ નિર્ણય લેવામાં નહોતો આવ્યો. સૂત્રોના જણાવ્યા મુજબ દેવેન્દ્ર ફડણવીસને પક્ષમાં મોટી જવાબદારી મળવાની શક્યતા છે. એટલે કે દેવેન્દ્ર ફડણવીસની BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્તિ થઈ શકે છે. BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાનો કેન્દ્રીય પ્રધાનમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે એટલે તેમની જગ્યાએ નવા અધ્યક્ષ નીમવા માટેની કવાયત ચાલી રહી છે. આ પદ માટે દેવેન્દ્ર ફડણવીસનું નામ સૌથી આગળ હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત ભૂપેન્દ્ર યાદવ અને ધર્મેન્દ્ર પ્રધાનનાં નામની પણ ચર્ચા છે.
દેવેન્દ્ર ફડણવીસે આ અઠવાડિયે જ દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પત્ની અમૃતા અને પુત્રી દિવિજા સાથે મુલાકાત કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યાર બાદથી જ દેવેન્દ્ર ફડણવીસને પક્ષમાં ઘણી મોટી જવાબદારી સોંપાવાની ચર્ચા શરૂ થઈ છે.
દેવેન્દ્ર ફડણવીસના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સારા સંબંધ છે. આ સિવાય તેઓ અમિત શાહની પણ નજીક છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પણ તેમની સારી પકડ છે અને નાગપુરના હોવાથી મોહન ભાગવતની નજીક છે. આથી પાર્ટી દેવેન્દ્ર ફડણવીસને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવીને સંઘ અને પાર્ટીની કડી બનાવી શકે છે. આ જ કારણસર દેવેન્દ્ર ફડણવીસ રાષ્ટ્રીય અધ્યક્ષપદ માટેના પર્ફેક્ટ ઉમેદવાર હોવાની ચર્ચા છે.