મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે બ્લૅકમેઇલ અને ગેરવસૂલીમાં સંડોવાયેલા માથાડીઓને ઓળખવા માટે સંયુક્ત અને સામૂહિક પ્રયાસ કરવાની હાકલ કરીને તેમની સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ
મુંબઈ : મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે બ્લૅકમેઇલ અને ગેરવસૂલીમાં સંડોવાયેલા માથાડીઓને ઓળખવા માટે સંયુક્ત અને સામૂહિક પ્રયાસ કરવાની હાકલ કરીને તેમની સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.
વાશી ખાતે માથાડી નેતા સ્વ. અન્નાસાહેબ પાટીલની જન્મજયંતી નિમિત્તે આયોજિત રૅલીમાં ફડણવીસે જણાવ્યું હતું કે ‘રાજ્ય સરકાર માથાડીઓ પર કોઈ કાયદો લાવવા માગતી નથી અને એ માત્ર હાલના અધિનિયમમાં સુધારાઓ કરી રહી છે જે ૫૦ વર્ષથી વધુ જૂના છે. નકલી અને ખંડણીખોર માથાડીઓ દ્વારા ઊભી થતી સમસ્યાઓને કારણે અનેક ઉદ્યોગો રાજ્યની બહાર ગયા છે.’
ફડણવીસે નવી મુંબઈ પોલીસને નકલી માથાડીઓ સામે પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે જે ઍગ્રીમેન્ટ્સમાં ૨૫ ટકાનો કાપ મૂકે છે. તેમણે કહ્યું હતું કે ‘માથાડી, હમાલ અને અન્ય મૅન્યુઅલ વર્કર્સ ઍક્ટમાં સુધારો કરતી વખતે અમે એ સુનિશ્ચિત કરીશું કે અન્નાસાહેબ પાટીલ દ્વારા પરિકલ્પના કરેલા ઍક્ટનો આત્મા અકબંધ રહે.’
ફડણવીસે વધુમાં કહ્યું હતું કે ‘મરાઠા સમુદાયને મોખરે લાવવાની અને તેમનો વિકાસ સુનિશ્ચિત કરવાની જરૂર છે. અન્નાસાહેબ પાટીલ આર્થિક મહામંડળ દ્વારા મરાઠા સમુદાયમાંથી ૭૦,૦૦૦થી વધુ ઉદ્યોગપતિઓ બનાવવામાં આવ્યા છે અને તેમને વિનામૂલ્ય ૫,૦૦૦ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે. સરકારે આ માટે દર વર્ષે ૫૦૭ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.’