૨૦૨૨ની સરખામણીએ ઊંચો ભાવ આપવામાં આવ્યો હોવાનું જાણ્યા બાદ મુખ્ય પ્રધાને ઍડિશનલ ચીફ સેક્રેટરીને આની તપાસ કરીને રિપોર્ટ સુપરત કરવાનો આદેશ આપ્યો
એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ
દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનને આપ્યો પહેલો ઝટકો
રાજ્યના મુખ્ય પ્રધાનપદે શપથ લીધા બાદ દેવેન્દ્ર ફડણવીસે ઝપાટાભેર એક પછી એક કામ શરૂ કરી દીધાં છે. એવામાં તેમણે હવે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને સરકારમાં તેમના સાથી નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે નારાજ થાય એવું એક કામ કર્યું છે.
ADVERTISEMENT
એકનાથ શિંદે મુખ્ય પ્રધાન હતા ત્યારે સપ્ટેમ્બર મહિનામાં તેમણે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (MSRTC)ની બસો ભાડે લેવાનો નિર્ણય લીધો હતો અને એના માટે ટેન્ડર-પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી હતી. જોકે સોમવારે રાજ્યના નવા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ સાથેની રિવ્યુ મીટિંગમાં એકનાથ શિંદેના આ નિર્ણય પર રોક લગાવી દીધી હતી. એને લીધે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને લીધેલા આ નિર્ણયના મેરિટની સામે પ્રશ્નાર્થ થઈ રહ્યા છે. એ વખતે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ એકનાથ શિંદે પાસે જ હતો અને સપ્ટેમ્બર ૨૦૨૪માં તેમણે પોતાના વિશ્વાસુ ભરત ગોગાવલેને MSRTCના ચૅરમૅન બનાવ્યા હતા.
દેવેન્દ્ર ફડણવીસે ચાર્જ સંભાળ્યા બાદ દરેક ડિપાર્ટમેન્ટની રિવ્યુ મીટિંગની સાથે તેમની સાથે પહેલા ૧૦૦ દિવસના કામકાજનો પ્લાન પણ ડિસ્કસ કરવાનું શરૂ કર્યું છે. આવી જ મીટિંગમાં સોમવારે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ ચીફ મિનિસ્ટર સમક્ષ રજૂ કરેલા પ્રેઝન્ટેશનમાં MSRTCએ ૧૩૧૦ બસને ભાડેથી આપવા ત્રણ પ્રાઇવેટ કંપનીઓને લેટર ઑફ ઇન્ટેન્ટ (LOI) આપ્યો હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ તેમણે વધારે વિગતો આપતાં જણાવ્યું હતું કે કિલોમીટરદીઠ એના ૩૪.૭૦થી ૩૫.૧૦ રૂપિયા આપવાના નક્કી થયા છે, પણ એમાં ફ્યુઅલના ચાર્જનો સમાવેશ નથી જેની કિંમત કિલોમીટરદીઠ બાવીસ રૂપિયા થાય છે. અધિકારીઓએ દેવેન્દ્ર ફડણવીસને એ પણ કહ્યું હતું કે ૨૦૨૨માં MSRTCએ ૪૪ રૂપિયા કિલોમીટરના દરે બસ ભાડે લીધી હતી જેમાં ફ્યુઅલના પૈસા પણ સામેલ હતા. અત્યારે જે LOI આપ્યા છે એની ૨૦૨૨ના ભાવ સાથે સરખામણી કરીએ તો કિલોમીટરદીઠ ૧૨ રૂપિયા વધારે જતા હોવાથી એના પર રોક લગાવીને મુખ્ય પ્રધાને ઍડિશનલ ચીફ સેક્રેટરીને આની તપાસ કરીને રિપોર્ટ સુપરત કરવાનો આદેશ આપ્યો હતો.
અંબાદાસ દાનવેને શું જવાબ આપેલો એકનાથ શિંદેએ?
શિયાળુ સત્રમાં વિધાન પરિષદના નેતા અંબાદાસ દાનવેએ પણ સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ST)ની બસો ભાડે આપવાના દર સામે પ્રશ્ન ઊભો કર્યો હતો. જોકે ત્યારે એકનાથ શિંદેએ આ આક્ષેપને ફગાવીને કહ્યું હતું કે હું એક વાત સ્પષ્ટ કરી દેવા માગુ છું કે MSRTCએ કંઈ ૬૦ રૂપિયા કિલોમીટરના ભાવે ટેન્ડર ઇશ્યુ નથી કર્યાં. ૧૩ ડિસેમ્બરે MSRTCના પ્રેસિડન્ટે આની મીટિંગ કરી હતી અને એમાં પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ PMGએ ભાવતાલ કર્યા બાદ કિલોમીટરદીઠ ભાડાના ૩૫.૭૦ રૂપિયા સૂચવ્યા હોવાથી બધી કંપનીઓએ ફરીથી પ્રપોઝલ મોકલાવી હતી.’