નવાબ મલિક અજિત પવાર જૂથમાં સામેલ થયા બાદ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પત્ર લખીને વિરોધ વ્યક્ત કર્યો
ફાઇલ તસવીર
નાગપુરમાં ગઈ કાલે શરૂ થયેલા વિધાનસભાના શિયાળુ સત્રમાં દેશદ્રોહના આરોપનો સામનો કરી રહેલા અને આરોગ્યના કારણસર જામીન પર જેલની બહાર આવેલા નવાબ મલિક અજિત પવાર જૂથમાં સામેલ થઈને સત્તાધારી વિધાનસભ્યો માટેની વિધાનભવનની બેઠકમાં બેઠા હતા. મહાયુતિના મુખ્ય પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે જોકે નવાબ મલિક સામેના આરોપને કારણે તેમને મહાયુતિમાં સામેલ ન કરવા સંબંધી પત્ર અજિત પવારને લખ્યો છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથે પણ આવો જ મત વ્યક્ત કર્યો છે. આથી હવે અજિત પવાર શું કરે છે એના પર બધાની નજર રહેશે.
વિધાનસભાના અધિવેશનમાં ગઈ કાલે એનસીપીના નેતા નવાબ મલિક અજિત પવાર જૂથની બેઠકોમાં જઈને બેસી જતાં ઉદ્ધવ ઠાકરે જૂથના વિરોધી પક્ષે બીજેપીની આકરી ટીકા કરી હતી. અંબાદાસ દાનવેએ કહ્યું હતું કે જેને તમે દેશદ્રોહી કહો છો તેને હવે સરકારમાં સાથે કેમ લીધા? દેવેન્દ્ર ફડણવીસે જોકે તેમને જવાબ આપ્યો હતો કે ‘દેશદ્રોહનો આરોપ થયો અને ધરપકડ થઈ હોવા છતાં મહાવિકાસ આઘાડી સરકારે તેમને કૅબિનેટ પ્રધાનપદે કાયમ રાખ્યા હતા. પહેલાં એ જવાબ આપો કે તત્કાલીન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કેમ કાર્યવાહી નહોતી કરી?’
ADVERTISEMENT
બાદમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અજિત પવારને પત્ર લખીને નવાબ મલિકને સરકારમાં સામેલ ન કરવાની વિનંતી કરી હતી. પત્રમાં તેમણે લખ્યું હતું કે ‘ભૂતપૂર્વ પ્રધાન અને વિધાનસભ્યના સભ્ય નવાબ મલિક આજે વિધાનસભામાં આવ્યા હતા. એ તેમનો અધિકાર છે. એ વિશે અમારી તેમની સાથે કોઈ વ્યક્તિગત શત્રુતા નથી. જોકે તેમની સામે જે પ્રકારના આરોપ છે એ જોતાં મહાયુતિમાં તેમને સામેલ કરવા યોગ્ય નથી. સત્તા આવે અને જાય, પણ સત્તા કરતાં દેશ મહત્ત્વનો છે. અત્યારે તેઓ આરોગ્યના આધારે જામીન પર છે. તેમની સામેના આરોપ સિદ્ધ ન થાય ત્યાં સુધી તમે તેમનું જરૂર સ્વાગત કરો, પણ તેમને સામેલ ન કરો. તમારા પક્ષમાં કોને રાખવા અને કોને નહીં એનો અધિકાર તમને છે. જોકે આ પ્રકારના નિર્ણયથી મહાયુતિને કોઈ મુશ્કેલી ન થાય એનો વિચાર કરવો રહ્યો. નવાબ મલિકની દેશદ્રોહીઓ સાથે સંબંધ હોવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તત્કાલીન મુખ્ય પ્રધાન અને મહાવિકાસ આઘાડી સરકારના વિચાર સાથે અમે સહમત ન થઈ શકીએ. અમારી ભાવનાની નોંધ લેશો એવી આશા રાખું છું.’
એકનાથ શિંદે જૂથના વિધાનસભ્ય સંજય શિરસાટે પણ દેવેન્દ્ર ફડણવીસના સૂરમાં સૂર મિલાવીને કહ્યું હતું કે ‘દેશદ્રોહના આરોપી નવાબ મલિકને સરકારમાં સામેલ પક્ષમાં રાખવામાં આવશે તો જનતામાં ખાટો મેસેજ જશે. આથી નવાબ મલિક વિશે અજિત પવારે વિચાર કરવો જોઈએ. તેમના પરના આરોપનો ચુકાદો ન આવે ત્યાં સુધી મહાયુતિ સરકારમાં સામેલ કરવા અયોગ્ય છે.’
દરમ્યાન, વિધાનસભાના સત્રના પહેલા દિવસની રાત્રે નાગપુરમાં વિજય દરડાના ઘરે મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાનો સહિત વિધાનસભ્યો માટે સ્નેહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે દેવેન્દ્ર ફડણવીસ અને નવાબ મલિક હાજર રહ્યા હતા, પરંતુ અજિત પવાર નહોતા પહોંચ્યા. આમ કરીને દેવેન્દ્ર ફડણવીસે તેમને નવાબ મલિક સંબંધે પત્ર લખ્યો હોવાથી અજિત પવારે નરાજગી દર્શાવી હોવાનું કહેવાય છે.
૫૫,૫૨૦ કરોડની સપ્લિમેન્ટરી માગણીઓ રજૂ કરાઈ
નાગપુર અધિવેશનના ગઈ કાલના પહેલા દિવસે રાજ્યના નાણાપ્રધાન અજિત પવારે વિધાનસભામાં રાજ્યના બજેટ ઉપરાંત ૫૫,૫૨૦.૭૭ કરોડ રૂપિયાની સપ્લિમેન્ટરી માગણીઓ રજૂ કરી હતી. અજિત પવારે આગામી વર્ષે યોજનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ માગણી રજૂ કરી હોવાનું કહેવાય છે. જુલાઈ મહિનામાં અજિત પવારે ૪૧,૦૦૦ કરોડ રૂપિયાની આવી માગણી રજૂ કરી હતી. આથી તેમણે અગાઉના સત્રનો રેકૉર્ડ તોડ્યો છે.
...તો બાળાસાહેબ કાર લઈને ગુવાહાટી ગયા હોત
વિધાન પરિષદનાં ઉપસભાપતિ અને એકનાથ શિંદે જૂથનાં નેતા નીલમ ગોર્હે ગઈ કાલે નાગપુરમાં શિયાળુ સત્રમાં સામેલ થવા માટે પહોંચ્યાં ત્યારે તેમણે પત્રકારો સાથે વાતચીત કરી હતી. ત્યારે તેમણે ઉદ્ધવ ઠાકરેની ટીકા કરતાં કહ્યું હતું કે ‘બાળાસાહેબ ઠાકરે જીવતા હોત તો શિવસેનામાં ફૂટ પડત જ નહીં. યોગ્ય હોય એ બાજુએ રહેવું અને સમયસર કાર્યવાહી કરવી એ બાળાસાહેબનો સ્વભાવ હતો. નજીકના લોકો શિસ્તનું પાલન ન કરે તો તેમની સામે પણ કઠોર નિર્ણય તેઓ લેતા. એકનાથ શિંદેની સમસ્યા વિશે ઉદ્ધવ ઠાકરેએ ક્યારેય પૃચ્છા નહોતી કરી. તેમના શું પ્રશ્ન છે? વિધાનસભ્યોને ભંડોળ મળે છે કે નહીં? રાજ્યના જિલ્લાધ્યક્ષોની માગણી પર પણ ધ્યાન નહોતું અપાતું. આથી એ સમયે એકનાથ શિંદે ખૂબ દબાણ અનુભવતા હતા. આવું એક બે નહીં, ચાર-ચાર મહિના ચાલ્યું હતું. મેં ઉદ્ધવ ઠાકરેને વિનંતી કરી હતી કે તમે વિધાનસભ્યોની બેઠક લો જેથી તેમનો કામકાજ બાબતે આત્મવિશ્વાસ વધે. જોકે આવું કંઈ થયું નહીં. આથી પક્ષમાં વિસ્ફોટ થયો. આવી સ્થિતિમાં બીજો પક્ષ શિવસેનાના ભંગાણ માટે જવાબદાર હોવાનું કહેવું યોગ્ય નથી. બાળાસાહેબ આજે જીવતા હોત તો તેઓ ખુદ કારમાં ગુવાહાટી ગયા હોત અને બધા વિધાનસભ્યોને મનાવીને પાછા લઈ આવ્યા હોત.’