૨૦૦૦ પરિવારને ઘર ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી : ગઈ કાલે શરૂઆત ૭ બિલ્ડિંગથી કરવામાં આવી
ડિમોલિશનને પગલે રઝળી પડેલા અને આક્રંદ કરતા લોકોને પોલીસે સંભાળવા પડ્યા હતા.
નાલાસોપારા-ઈસ્ટમાં અગ્રવાલ નગરીમાં આરક્ષિત ૩૦ એકર પ્લૉટ અને આસપાસની જગ્યામાં ગેરકાયદે બાંધવામાં આવેલાં ૪૧ બિલ્ડિંગો તોડી પાડવાનો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. આ આદેશના અનુસંધાનમાં આ ગેરકાયદે ઇમારતોમાં રહેતા ૨૦૦૦ પરિવારને વસઈ-વિરાર મહાનગરપાલિકાએ ઘર ખાલી કરવાની નોટિસ આપી હતી. ઘર ખાલી થઈ ગયા બાદ ગઈ કાલે આ ગેરકાયદે ઇમારતોને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીને લીધે ૨૦૦૬થી અહીં રહેતા ૨૦૦૦ પરિવારો બેઘર બની જવાના આરે છે.
ઇલેક્શનને લીધે આ તોડકામ શરૂ કરવામાં નહોતું આવ્યું, પણ જેવી ચૂંટણી પૂરી થઈ કે સુધરાઈએ પોતાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. રહેવાસીઓ સુપ્રીમ કોર્ટમાં પણ ગયા હતા, પણ તેમને કોઈ રાહત નહોતી મળી.
ADVERTISEMENT
નાલાસોપારાની ગેરકાયદે ઇમારતોનું તોડકામ શરૂ કરાયું.
ગેરકાયદે બિલ્ડિંગોને તોડી પાડવા માટે ગઈ કાલે સવારના આઠ વાગ્યે ભારે પોલીસ-બંદોબસ્ત સાથે વસઈ-વિરાર મહાનગરપાલિકાની તોડકામ ટુકડી પહોંચી ત્યારે તેમનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. તેમણે બોગસ ડૉક્યુમેન્ટ્સના આધારે બિલ્ડિંગો ઊભાં થવા માટે પ્રશાસનને જવાબદાર ગણાવ્યું હતું. જોકે ભારે પોલીસ-બંદોબસ્ત વચ્ચે ગઈ કાલે ૪૧માંથી ૭ ગેરકાયદે બિલ્ડિંગોને તોડવાની શરૂઆત થઈ હતી. તમામ ગેરકાયદે ઇમારતોને તોડવામાં એકાદ અઠવાડિયું લાગવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૦૬માં ભૂતપૂર્વ નગરસેવક સીતારામ ગુપ્તા અને તેમના ભત્રીજા અરુણ ગુપ્તાએ આરક્ષિત પ્લૉટ પર ગેરકાયદે કબજો કરીને અહીં કોઈ પણ પ્રકારની મંજૂરી વિના ૨૦૧૦થી ૨૦૧૨ દરમ્યાન ૪૧ ઇમારતોનું બાંધકામ કરીને લોકોને ઘર વેચ્યાં હતાં.
બાંદરા-ઈસ્ટમાં ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન
બાંદરા-ઈસ્ટમાં રેલવે-સ્ટેશનને અડીને આવેલા ભાગમાં છેલ્લા કેટલાક સમયમાં મોટા પાયે ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યાં હતાં. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી દરમ્યાન ગેરકાયદે મકાનો ઊભાં કરી દેવામાં આવ્યાં હોવાની ફરિયાદ મળતાં પતરાનાં આ કાચાં મકાનો ગઈ કાલે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના અતિક્રમણ વિભાગે તોડી નાખ્યાં હતાં. તસવીર ઃ સૈયદ સમીર અબેદી