એનું કારણ એ છે કે નવી ટ્રેન માટે ન તો ઑર્ડર મૂકવામાં આવ્યો છે કે ન ઉત્પાદકો ટ્રેન બનાવવા પર કામ કરી રહ્યા છે : મુંબઈ રેલવે અને રેલવે બોર્ડ વચ્ચે અટકી પડી છે ૨૩૮ નવી એસી લોકલની માગણી
ફાઇલ તસવીર
વધુ ને વધુ મુંબઈગરા એસી લોકલ ટ્રેનનો ઉપયોગ કરી રહ્યા છે અને ઉનાળો નજીક હોવાથી તાપમાનમાં પણ નિરંતર વધારો થતાં એસી ટ્રેનોમાં ભીડ વધી રહી હોવાથી મુંબઈ માટે એસી લોકલ ટ્રેનની માગ નિરંતર વધતી હોવા છતાં નજીકના ભવિષ્યમાં નવી ટ્રેનો આવે એવી કોઈ સંભાવના નથી, કેમ કે નવી ટ્રેન માટે ન તો ઑર્ડર મૂકવામાં આવ્યો છે કે ન ઉત્પાદકો ટ્રેન બનાવવા પર કામ કરી રહ્યા છે. ચેન્નઈની ઇન્ટિગ્રલ કોચ ફૅક્ટરીમાંથી મુંબઈ માટેની છેલ્લી એસી ટ્રેન ૩૦ નવેમ્બર ૨૦૨૨ના રોજ રવાના કરવામાં આવી હતી અને એ ડિસેમ્બર ૨૦૨૨માં મુંબઈ પહોંચી હતી. મુંબઈ માટે ૨૩૮ નવી એસી લોકલ ટ્રેન પ્રાપ્ત કરવાની ભવ્ય યોજના મુંબઈ રેલવે અને દિલ્હીના રેલવે બોર્ડ વચ્ચેની ચર્ચા અને સલાહ-મસલતમાં અટકી પડી હોવાથી બંનેમાંથી કોઈ પાસે એસી લોકલ મળવાની કોઈ ચોક્કસ તારીખ કે સરખો જવાબ ન હોવાથી મુસાફરોએ સહન કરવું પડે છે.
હાલમાં મુંબઈમાં કુલ ૧૪ એસી લોકલ ટ્રેન છે, જેમાંની ૧૨ ઇલેક્ટ્રિક ટ્રેન ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (ભેલ)ની છે, એક ડિટૅચેબલ ટ્રેન છે તથા એક મેધા સર્વો ડ્રાઇવ્ઝથી ઇલેક્ટ્રિકલ્સ સાથેની વૉકથ્રૂ ટ્રેન છે.
ADVERTISEMENT
મુંબઈ વિભાગના સત્તાવાર આંકડાઓ મુજબ પશ્ચિમ રેલવે છ ટ્રેનના ઉપયોગથી ૭૬ સર્વિસ દોડાવે છે, જ્યારે મધ્ય રેલવે પાંચ ટ્રેન સાથે ૫૬ સર્વિસ દોડાવે છે. બાકીની ટ્રેનો ક્યાં તો મેઇનટેનન્સ હેઠળ છે અથવા તો બૅક-અપમાં છે.
એપ્રિલ ૨૦૨૨થી ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૩ સુધીના સમયગાળામાં પશ્ચિમ રેલવેએ ૨.૦૧ કરોડની જ્યારે સમાન સમયગાળામાં મધ્ય રેલવેએ ૧.૨૫ કરોડની રાઇડરશિપ નોંધાવી છે.
એસી ટ્રેનની માગ સતત વધી રહી છે તથા મુંબઈ પાસે માત્ર ૧૩ ટ્રેનો છે, જે પશ્ચિમ અને મધ્ય રેલવે વચ્ચે વહેંચાયેલી છે. અનેક વાર ટેક્નિકલ ખામીઓનો સામનો કરવો પડતો હોવાથી આ સર્વિસ પણ ઘણી અનિયમિત છે, જેના કારણે ઘણી વાર કોઈ પણ પ્રકારની જાહેરાત વિના એસીના સ્થાને સામાન્ય લોકલ દોડાવવી પડે છે.
એસી લોકલ ટ્રેનના નિયમિત મુસાફર ઇન્દરકુમાર ત્રિપાઠીએ કહ્યું હતું કે ‘તમામ રૂટમાં પશ્ચિમ રેલવેમાં બોરીવલી માટે અને મધ્ય રેલવેમાં ડોમ્બિવલી માટે એસી લોકલની માગ સૌથી વધુ છે, પરંતુ રેલવે એ પૂરી કરવા સક્ષમ નથી. અનેક વાર અચાનક જ એસી ટ્રેન રદ કરીને એના સ્થાને સામાન્ય ટ્રેન દોડાવાતી હોય છે. આવા સમયે અમારા પાસે કોઈ વિકલ્પ રહેતો નથી. આવી પ્રીમિયમ સર્વિસમાં ગરબડ થાય એ યોગ્ય નથી.’
ચેન્નઈની ઇન્ટિગ્રલ કોચ ફૅક્ટરીના અધિકારીઓએ કહ્યું હતું કે કોઈ ઑર્ડર મૂકવામાં આવ્યો ન હોવાથી હાલમાં કોઈ નવી એસી ઈએમયુ લોકલ ટ્રેનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું નથી.
મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ હેઠળ મુંબઈ માટે એમયુટીપી ૩ અને ૩-એ હેઠળ કુલ ૨૩૮ એસી લોકલ મેળવવાની યોજના છે. આમાંથી એમયુટીપી ૩ માટે ૪૭ અને એમયુટીપી ૩-એ માટે ૧૯૧ ટ્રેન પ્રાપ્ત કરવાની છે. જોકે એ માટેની મોકલવામાં આવેલી દરખાસ્ત મુંબઈ રેલવે અને દિલ્હીના રેલવે બોર્ડ વચ્ચેની ચર્ચામાં અટકીને મંજૂરીની રાહ જોતી પડી છે.
વિલંબ વિશે પુછાતાં એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે ‘રેલવે એમયુટીપી ૩ અને ૩-એ પ્રોજેક્ટ હેઠળ ૧૨ કોચની કુલ ૨૩૮ એસી ટ્રેનોની ખરીદી માટે મંત્રાલય સાથે મળીને બિડના દસ્તાવેજો અને વિશિષ્ટતાઓ પર કામ કરી રહી છે. એમટીયુપી માટેનું ભંડોળ રેલવે અને મહારાષ્ટ્ર સરકાર બંને તરફથી આવતું હોવાથી આ સાથે જ મહારાષ્ટ્ર સરકાર પણ એના ભંડોળ માટે નાણાકીય કરારને આખરી ઓપ આપવા પર કામ કરી રહી છે.’