વિરારમાં સ્કૂટી પર જઈ રહેલા યુવાન પર ઝાડ પડ્યું, પણ નસીબજોગે બચી ગયો
ઝાડની ડાળી વાગ્યા બાદ રસ્તા પર પડ્યા પછી ગંભીર ઈજા ન થતાં ડિલિવરી બૉય ઊભો થઈ ગયો હતો.
આપણામાં કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે. વિરારમાં આવી જ એક ઘટના શનિવારે રાતે ૧૦.૩૦ વાગ્યે બની હતી. વિરાર-વેસ્ટના આગાશી વિસ્તારમાં આવેલા ઉંબરગોઠણ વિસ્તારની ચાલીપેઠમાં એક ડિલિવરી બૉય તેની સ્કૂટી પર પસાર થઈ રહ્યો હતો ત્યારે એક ઝાડ રસ્તા પર જ તૂટી પડ્યું હતું. એ વિશાળ ઝાડ પડ્યું એની ફ્રૅક્શન ઑફ સેકન્ડમાં તે ડિલિવરી બૉય બચી ગયો હતો. જો એક ક્ષણનો પણ વિલંબ થયો હોત તો એ ઝાડ ડિલિવરી બૉયના માથા પર પડ્યું હોત અને દુર્ઘટના થઈ હોત. આ આખી ઘટના બાજુમાં આવેલી દુકાનના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં ઝડપાઈ ગઈ હતી. જોકે ઝાડની ડાળીનો ફટકો લાગતાં ડિલિવરી બૉય રસ્તા પર પડ્યો હતો, પણ બચી ગયો હતો. તે તરત જ ઊભો થઈ ગયો હતો. તેને મામૂલી ઉઝરડા થયા હતા. સ્થાનિક રહેવાસીઓ તેને નજીકમાં ડૉક્ટર પાસે લઈ ગયા હતા, પણ તેને કોઈ ગંભીર ઈજા થઈ નહોતી.

