સુધરાઈના અધિકારીઓને લાગે છે કે વરસાદને કારણે આ કામ મુશ્કેલ બનશે
ડિલાઇલ રોડ બ્રિજનો એક ભાગ ખુલ્લો મૂકવામાં આવ્યો છે, પણ ત્યાં વાહનોની અવરજવર ઓછી ને કાર અને બાઇક પાર્ક કરેલા વધારે જોવા મળે છે (તસવીર : અતુલ સાંગાણી)
ચોમાસાને કારણે મુંબઈ સુધરાઈ ડિલાઇલ બ્રિજના બીજા ભાગનું નિર્માણકાર્ય નિર્ધારિત સમય મુજબ પાર નહીં પાડી શકે. અગાઉ સુધરાઈએ જુલાઈના અંત સુધીમાં આ કામ પૂરું કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, પરંતુ હવે અધિકારીઓને લાગે છે કે વરસાદને કારણે આ કામ મુશ્કેલ બનશે.
પહેલી જૂને ડિલાઇડ બ્રિજના એક સાઇડને ટ્રાફિક માટે શરૂ કર્યા બાદ સુધરાઈએ જુલાઈના અંત સુધીમાં એન. એમ. જોષી રોડ તરફના બીજા ભાગને પણ શરૂ કરવાની યોજના બનાવી હતી. અધિકારીઓ કહ્યું હતું કે ‘અમને નથી લાગતું કે જૂન મહિનામાં અમને લાંબો ઉઘાડ મળશે. કૉન્ક્રીટાઇઝેશન માટે લાંબો ઉઘાડ જરૂરી છે.’
ADVERTISEMENT
સુધરાઈના અધિકારીએ કહ્યું હતું કે ‘હવે અપ્રોચ રોડ પર ગર્ડર લગાવવામાં આવશે. ત્યાર બાદ શટરિંગ અને રી-ઇન્ફોર્સમેન્ટનું કામ કરવામાં આવશે. છેલ્લા તબક્કામાં કૉન્ક્રીટાઇઝેશન કરવામાં આવશે. ગર્ડર માટે લાંબા સમયના ઉઘાડની જરૂર નથી, પરંતુ કૉન્ક્રીટાઇઝેશન માટે જરૂરી છે. હવે અમે વિચારી રહ્યા છીએ કે જુલાઈના અંત સુધીમાં માત્ર અડધો ભાગ જ ટ્રાફિક માટે શરૂ કરી શકાશે. બાકીના માટે ત્યાર બાદ જણાવવામાં આવશે.’
ઑગસ્ટ ૨૦૧૮માં આ પુલને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો અને ૨૦૨૦માં નવા બ્રિજના નિર્માણનું કામ શરૂ થયું હતું. પહેલાં પુલની ડેડલાઇન મે ૨૦૨૨ હતી. ત્યાર બાદ ડિસેમ્બર ૨૦૨૨ સુધી લંબાવવામાં આવી. ત્યાર બાદ નવી ડેડલાઇન મે ૨૦૨૩ આપવામાં આવી. સુધરાઈએ પહેલી જૂને પુલનો એક ભાગ ખુલ્લો મૂક્યો હતો. સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ ૧૩૮ કરોડ રૂપિયા હતો.