મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિધાનસભામાં આવું જાહેર કરતાં હડતાળ પાછી ખેંચવામાં આવી
નાગપુરમાં હાલમાં ચાલી રહેલા શિયાળુ અધિવેશન દરમ્યાન ગઈ કાલે વિધાનસભ્યોએ ફોટોસેશન કર્યું હતું
જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગણી સાથે સરકારી હૉસ્પિટલ સહિતના કર્મચારીઓએ ગઈ કાલે હડતાળ પાડી હતી. ત્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિધાનસભામાં કહ્યું હતું કે આ બાબતે સુબોધકુમાર કમિટીએ ભલામણ કરી છે એના પર આગામી બજેટસત્રમાં નિર્ણય લેવામાં આવશે. અંતિમ નિર્ણય લેતાં પહેલાં કમિટીના રિપોર્ટનો બે ઍડિશનલ ચીફ સેક્રેટરી અભ્યાસ કરશે. મુખ્ય પ્રધાનના નિવેદન બાદ ૧૭ લાખ કર્મચારીઓની હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
રાજ્યના ૧૭ લાખ કર્મચારીઓ ગઈ કાલે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગણી સાથે હડતાળ પર ઊતરી ગયા હતા. ત્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ વિશે સત્રમાં કહ્યું હતું કે ‘રાજ્યના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની જૂની પેન્શન યોજના લાગુ કરવા બાબતે નીમવામાં આવેલી સમિતિનો રિપોર્ટ આવી ગયો છે. એનો અભ્યાસ કરવાનો નિર્દેશ સંબંધિત અધિકારીઓને આપવામાં આવ્યો છે. નિવૃત્ત થઈ રહેલા કર્મચારીઓની આર્થિક અને સમાજિક સુરક્ષા જૂની પેન્શન યોજના પ્રમાણે જ રાખવામાં આવશે. એના પર ચર્ચા અને અંતિમ નિર્ણય આગામી બજેટસત્રમાં લેવામાં આવશે.’
ADVERTISEMENT
વિદેશી રોકાણમાં મહારાષ્ટ્ર અવ્વલ
રાજ્યમાં વિવિધ ઉદ્યોગો દ્વારા વિદેશી રોકાણ લાવવામાં મહારાષ્ટ્ર ફરી આગળ વધી રહ્યું હોવાનું ઉદ્યોગપ્રધાન ઉદય સામંતે ગઈ કાલે વિધાન પરિષદમાં કહ્યું હતું. ઉદ્યોગપ્રધાને માહિતી આપી હતી કે ‘કોંકણ વિભાગમાં નૈના પ્રોજેક્ટમાં છેલ્લા ત્રણ મહિનામાં ૨૮,૮૮૯ કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ આવવાની સાથે રાજ્ય ફરી દેશભરમાં અવ્વલ થઈ ગયું છે. આવી જ રીતે બીજા પ્રોજેક્ટમાં પણ માતબર વિદેશી રોકાણ આવી રહ્યું છે.’
પોલીસે મંજૂરી ન આપતાં ઉદ્ધવ ઠાકરે શું કરશે?
રાજ્ય સરકાર દ્વારા ધારાવીના રીડેવલપમેન્ટનું કામ અદાણી ગ્રુપને સોંપવામાં આવ્યું છે એના વિરોધમાં ઉદ્ધવ ઠાકરેએ મોરચો કાઢવાની જાહેરાત કરી છે, પરંતુ ધારાવી પોલીસે મોરચાની પરવાનગી નથી આપી. આથી હવે ઉદ્ધવ ઠાકરે શું કરશે એના પર બધાની નજર રહેશે. ધારાવીમાં મોરચો કાઢવા માટેની મંજૂરી માટે ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા ધારાવી પોલીસ સ્ટેશનમાં પત્ર લખવામાં આવ્યો હતો. જોકે ધારાવી પોલીસે મોરચાની પરવાનગી મેળવવા માટે પોલીસ કમિશનરને પત્ર લખો એમ કહીને મંજૂરી આપવાની ના પાડી દીધી હતી. આથી ઉદ્ધવ ઠાકરે જૂથે હવે મોરચાની મંજૂરી મેળવવા માટે મુંબઈના પોલીસ કમિશનરને આ સંબંધે પત્ર લખ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
અજિત પવાર આજે અમિત શાહને મળશે
રાજ્યમાં અત્યારે કાંદા, શેરડી અને દૂધ ઉત્પાદકો દ્વારા વિવિધ માગણીઓ માટે આંદોલનો થઈ રહ્યાં છે ત્યારે આ બાબતોનો ઉકેલ લાવવા રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન આજે રાતના કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળશે. ખુદ અજિત પવારે રાતના ૧૦ વાગ્યે તેઓ અમિત શાહ મળશે એમ જાહેર કર્યું હતું. અજિત પવારે કહ્યું હતું કે ‘રાજ્યમાં ઊભો થયેલો કાંદાનો પ્રશ્ન, શેરડીમાં ઇથેનૉલ અને દૂધના ભાવ બાબતે અમિત શાહ મળીને ચર્ચા કરીશ. વિધાનસભાનું કામકાજ પૂરું થયા બાદ અમે દિલ્હી જઈને અમિત શાહને મળીશું.’
ભુજબળને મૉર્નિંગ વૉકની મનાઈ
ઓબીસી નેતા અને રાજ્યના કૅબિનેટ પ્રધાન છગન ભુજબળને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાને પગલે તેમની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે અને તેમને મૉર્નિંગ વૉક કરવા માટે ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે. છગન ભુજબળેએ કહ્યું હતું કે ‘મળે ગોળી મારીને ઠાર કરવાની ધમકી મળી છે. મારી આગળ-પાછળ પોલીસની ફોજ છે. આમ છતાં મેં મૉર્નિંગ વૉક કરવાનું બંધ કર્યું છે. મને મૉર્નિંગ વૉક પર ન જવાની સલાહ આપવામાં આવી છે. ૩૫ વર્ષથી ઓબીસીની લડાઈ લડી રહ્યો છું. દિલ્હીના રામલીલા મેદાન, પટનાના ગાંધી મેદાન અને પુણેના એસપી મેદાનમાં મોટી રૅલીઓ કાઢી છે. આથી હું આ લડત કાયમ રાખીશ.’
પંચાવન દિવસમાં લોકસભાની ચૂંટણીની આચારસંહિતા
લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે બીજેપીએ રાજ્ય માટે મેગા પ્લાન બનાવ્યો હોવાનું કહેવાય છે. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નિવાસસ્થાને ગઈ કાલે એક બેઠક મળી હતી, જેમાં પક્ષના વિધાનસભ્યોને કામે લાગવાની સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં વિધાનસભ્યોને નમો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, જેમાં ૨૫ જાન્યુઆરી સુધીમાં રાજ્યમાં ૫૦ લાખ નમો ઍપ ડાઉનલોડ કરવાની રહેશે. દરેક વિધાનસભ્યએ મતદારસંઘમાં ઓછામાં ઓછી ૩૦ હજાર ઍપ ડાઉનલોડ કરવાની રહેશે. વિધાનસભ્યોએ રોજ સવારે જાગીને ઓછામાં ઓછી પાંચ મિનિટ નમો ઍપ માટે ફાળવવી જોઈશે. આ સિવાય મતદારસંઘમાં ૧૫૦ બૂથ-પ્રમુખ તૈયાર કરવાના અને બૂથ પ્રમાણે સુપર વૉરિયર પણ નિયુક્ત કરવાના રહેશે એવી સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. ફેબ્રુઆરી મહિનામાં દેવેન્દ્ર ફડણવીસની લોકસભાની ચૂંટણી માટે વિશેષ યાત્રા શરૂ થશે. આ યાત્રા રાજ્યની દરેક લોકસભા બેઠકમાં જશે.