વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરનું મહત્ત્વનું સૂચન
રાહુલ નાર્વેકર
સિદ્ધિવિનાયક ટેમ્પલ ટ્રસ્ટના મેમ્બરોની સંખ્યા વધારીને ૧૫ અને એના ટ્રસ્ટીઓની મુદત ત્રણ વર્ષથી વધારીને પાંચ વર્ષ કરવા બાબતના બિલ પર વિધાનસભામાં ચર્ચા થઈ રહી હતી ત્યારે સ્પીકર રાહુલ નાર્વેકરે રાજ્ય સરકારને તમામ ધાર્મિક સ્થળોને સરકાર હસ્તક લેવા બાબતનો વિચાર કરવાનું સૂચન કર્યું હતું. અત્યારે અમુક મંદિરો જ સરકાર હેઠળ હોવાથી તેમણે આ સૂચન કર્યું હતું.
સ્પીકરના આ સૂચન પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રધાન જયકુમાર રાવલે કહ્યું હતું કે સરકાર અમુક ધાર્મિક સ્થળોને બદલે તમામ ધર્મનાં પ્રાર્થનાસ્થળો તેમ જ યાત્રાધામનું નિયમન કરવાનો જરૂર વિચાર કરશે.
ADVERTISEMENT
સ્પીકરે વિધાનસભામાં કહ્યું હતું કે ‘આપણા બંધારણની પ્રસ્તાવનામાં જ લખવામાં આવ્યું છે કે આપણો દેશ સેક્યુલર છે, પણ જ્યારે અમે અમારા મતક્ષેત્રમાં જતા હોઈએ છીએ ત્યારે લોકો અમને પૂછતા હોય છે કે અમુક ધાર્મિક સ્થળો પર જ સરકારનો કન્ટ્રોલ શું કામ છે? તેઓ એવું પણ પૂછતા હોય છે કે બીજા ધર્મનાં સ્થળો સરકારના નિયંત્રણમાં કેમ નથી? મારું માનવું છે કે આપણે તમામ ધર્મને એકસરખા ટ્રીટ કરવા જોઈએ અને તમામ ધાર્મિક સ્થળો પર સરકારનું નિયમન હોવું જોઈએ.’