સ્માર્ટફોનના યુગમાં દાઉદી વહોરા સમાજની અનોખી પહેલ : ૨૫ ડિસેમ્બરે દાઉદી વહોરા સમાજના ધર્મગુરુ ડૉ. સૈયદના મુફદ્દલ સૈફુદીનના નામનો મેસેજ મોકલીને ફરમાન કર્યા બાદ મુંબઈ સહિત ગુજરાત અને પુણેમાં સમાજના લોકોએ અનુકરણ શરૂ કરી દીધું
પ્રતીકાત્મક તસવીર
દાઉદી વોહરા સમાજના ૧૫ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે ‘નો મોબાઇલ ટચ’નો સંકલ્પ લેવડાવવામાં આવ્યો છે. બાળકોમાં વધી ગયેલા મોબાઇલ-વ્યસનને રોકવા અને તેઓ પરિવાર સાથે સમય પસાર કરી શકે એ માટે ૨૫ ડિસેમ્બરે દાઉદી વહોરા સમાજના ધર્મગુરુ ડૉ. સૈયદના મુફદ્દલ સૈફુદીનના નામનો એક મેસેજ મોકલીને ફરમાન જાહેર કરવામાં આવ્યું હતું. મેસેજમાં ‘ગ્રીટ યૉર ચાઇલ્ડ વિથ અ સ્માઇલ, નૉટ અ મોબાઇલ’ આવું વાક્ય લખેલી એક ઇમેજ શૅર કરવામાં આવી છે. આ મેસેજ મળ્યા બાદ મુંબઈ, ગુજરાત અને પુણે સહિતના ભાગોમાં રહેતા દાઉદી વહોરા સમાજના પરિવારોએ તેમનાં બાળકોને મોબાઇલ ન આપવાના ફરમાન પર અમલ શરૂ કરી દીધો હોવાનું જાણવા મળ્યું હતું.
મસ્જિદ બંદરમાં રહેતા દાઉદી વહોરા સમાજના અગ્રણી અને સિટિઝન્સ ઍક્શન કમિટી ઑફ સાઉથ મુંબઈના સેક્રેટરી અબ્દુલ્લા જામે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા સમાજના ધર્મગુરુ ડૉ. સૈયદના મુફદ્દલ સૈફુદીને બાળકોમાં વધી રહેલા મોબાઇલના વધુ પડતા ઉપયોગની વાતને ગંભીરતાથી લીધી છે. તેમણે મોબાઇલના વ્યસનથી બાળકોને દૂર રાખવા માટે ૨૫ ડિસેમ્બરે ‘નો મોબાઇલ ટચ’નો સંકલ્પ લેવા માટે એક મેસેજથી ફરમાન મોકલ્યું હતું, જેમાં તેમણે લખ્યું હતું કે ડૉ. સૈયદના મુફદ્દલ સૈફુદીનનું ફરમાન છે કે ૧૫ વર્ષ કે એનાથી નાની વયનાં બાળકો મોબાઇલનો ઉપયોગ ન કરે. એટલું જ નહીં, એ બાળક પાસે મોબાઇલ ન હોવો જોઈએ. આ વાતની આપને ખબર કરવામાં આવે છે. આપ આપની ફૅમિલી, દોસ્તો અને સમાજના સૌને આ ફરમાન પહોંચાડો એવી વિનંતી છે.’