ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહપ્રધાન શિવરાજ પાટીલનાં પુત્રવધૂ ડૉ. અર્ચનાએ દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત લેતાં ચર્ચા શરૂ
દેવેન્દ્ર ફડણવીસ સાથે ડૉ. અર્ચના પાટીલ ચાકુરકર.
લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે કૉન્ગ્રેસમાં વધુ એક ગાબડું પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કૉન્ગ્રેસના પીઢ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહપ્રધાન શિવરાજ પાટીલનાં પુત્રવધૂ ડૉ. અર્ચના પાટીલ ચાકુરકરે ગઈ કાલે ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની તેમના સત્તાવાર નિવાસસ્થાન સાગર બંગલામાં મુલાકાત કરી હતી. કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા પ્રધાન અશોક ચવાણની નાંદેડ, લાતુર અને ધારાશિવ જિલ્લામાં સારી પકડ છે અને તેમની મધ્યસ્થીથી ગયા મહિને શિવરાજ પાટીલના કટ્ટર સમર્થક બસવરાજ પાટીલે BJPમાં પ્રવેશ કર્યો હતો. આથી ડૉ. અર્ચના પાટીલ ચાકુરકર પણ ગમે ત્યારે BJPમાં જોડાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવતી હતી. તેમણે દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત કરતાં તેઓ આજે પોતાના સમર્થકો સાથે BJPમાં પ્રવેશ કરશે એવું જાણવા મળ્યું હતું. ડૉ. અર્ચના પાટીલ ચાકુરકરની તેમના ક્ષેત્રમાં સારીએવી પકડ છે એનો ફાયદો BJPને મળવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તેમને પક્ષમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે.