દહિસરમાં રહેતા ગુજરાતી વેપારી અમદાવાદ ઉતરાણ મનાવવા પરિવાર સાથે ગયા હતા. ત્યાંથી પાછા ફરતા થયેલા કાર-ઍક્સિડન્ટમાં પત્ની, પુત્રી અને સાળાનું મૃત્યુ : વેપારી અને પુત્ર બાલબાલ બચ્યા : બે કન્ટેનર વચ્ચે કારનો ખુડદો બોલી જતાં બધાને બહાર કાઢતાં અઢી કલાક થયા
દહિસરના પરિવારની કારના વડોદરા પાસે થયેલા ઍક્સિડન્ટમાં લોકોએ આવી રીતે બધાને બહાર કાઢ્યા હતા, અને વેપારીની મૃત્યુ પામેલી પુત્રી નિયતિ.
પતંગ ચગાવવાનો જબરો શોખ ધરાવતા અને દહિસરમાં રહીને એમ્બ્રૉઇડરીનું કામકાજ કરતા ગુજરાતી વેપારીના પરિવાર માટે ઉતરાણ જીવલેણ નીવડી હતી. અમદાવાદમાં ફોઈને ત્યાં ઉતરાણ મનાવીને પાછા ફરતી વખતે વડોદરા પાસે મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર બે દિવસ પહેલાં થયેલા અકસ્માતમાં વેપારીનાં પત્ની, પુત્રી અને સાળાનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે વેપારી અને તેમના પુત્રનો બચાવ થયો હતો. સુરતમાં રહેતા સાળા ઉતરાણમાં અમદાવાદ ગયા હતા તેઓ પાછા ફરતી વખતે કારમાં હતા. એમાં તેમનો પણ જીવ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ દહિસર-પૂર્વમાં શક્તિનગર વિસ્તારમાં શક્તિ ટાવરની સામે આવેલી સાંઈ નિવાસ નામની બેઠી ચાલમાં ૪૦ વર્ષના નીતેશ સવજીભાઈ ગોંડલિયા તેમના પરિવાર સાથે રહે છે.
ADVERTISEMENT
સુરતમાં રહેતા અને અમદાવાદ ગયેલા ૪૪ વર્ષના સાળા મહેશ નાનજીભાઈ બાંભરોલિયાને પણ સુરત આવવાનું હતું એટલે તેઓ પણ કારમાં નીતેશ ગોંડલિયાની બાજુની આગળની સીટમાં બેસીને સુરત આવવા નીકળ્યા હતા. કાર સાંજના છ વાગ્યે વડોદરા નજીકના વરણામા પાસે મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર પહોંચી હતી ત્યારે કારની આગળ જઈ રહેલા એક કન્ટેનરના ડ્રાઇવરે અચાનક બ્રેક મારી હતી. આથી કાર ચલાવી રહેલા નીતેશભાઈએ પણ બ્રેક મારી હતી. આ સમયે કારની પાછળ આવી રહેલા બીજા એક કન્ટેનરે કારને પાછળથી જોરદાર ટક્કર મારતાં કાર આગળના કન્ટેનરના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી. એમાં કારનો ખુરદો બોલી ગયો હતો અને પાંચેય લોકો ખૂબ જ ખરાબ રીતે કારમાં ફસાઈ ગયા હતા.
બહાર કાઢતાં અઢી કલાક લાગ્યા
વરમાણા પોલીસના જણાવ્યા મુજબ બે કન્ટેનરની વચ્ચે કાર ખૂબ જ ખરાબ રીતે ફસાઈ ગઈ હતી એટલે એમાંથી બધાને બહાર કાઢતાં અઢી કલાક લાગ્યા હતા. અકસ્માત થયા બાદ ઘટનાસ્થળે અનેક લોકો મદદે પહોંચ્યા હતા. નીતેશ ગોંડલિયા અને તેમનો પુત્ર પૂર્વ જીવતા હતા એટલે થોડી વારમાં કારની બહાર નીકળી ગયા હતા. જોકે ડ્રાઇવરની બાજુની સીટમાં બેસેલા મહેશ બાંભરોલિયા, પાછળની સીટમાં બેસેલાં સંગીતાબહેન અને પુત્રી નિયતિને બહાર કાઢવામાં ખૂબ મુશ્કેલી પડી હતી. મહેશભાઈ અને નિયતિનાં કારમાં જ મૃત્યુ થયાં હતાં, જ્યારે સંગીતાબહેનનું હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું.
મોત ખેંચી લાવ્યું
વેપારી નીતેશ ગોંડલિયાના સુરતમાં રહેતા સાળા મહેશ બાંભરોલિયા એકલા અમદાવાદ ગયા હતા અને તેઓ ઉતરાણ મનાવીને એકાદ દિવસમાં સુરત પાછા ફરવાના હતા. આ સમયે મુંબઈમાં રહેતાં બહેન અને બનેવી અમદાવાદમાં હોવાનું જાણ્યા બાદ તેમનો સંપર્ક કરતાં તેઓ સુરત જવા નીકળી રહ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આથી તેઓ પણ કારમાં અમદાવાદથી સુરત આવવા નીકળ્યા હતા અને જીવ ગુમાવ્યો હતો. તેઓ કારમાં ન નીકળ્યા હોત તો કદાચ બચી જાત.
વેપારી-પુત્ર બાલબાલ બચ્યા
વડોદરા ગ્રામીણના વરમાણા પોલીસ સ્ટેશનના હેડ કૉન્સ્ટેબલ અર્જુન વસાવાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અકસ્માત ખૂબ જ ભયંકર હતો. બે કન્ટેનરની વચ્ચે કારનો ખુરદો બોલી ગયો હતો. કારનાં પતરા ંઅને દરવાજા કાપીને બધાને બહાર કાઢવામાં આવ્યા હતા. પાછળની સીટમાં બેસેલા સંગીતાબહેનને બહુ ઈજા થઈ હોય એવું લાગતું નહોતું. લોકોએ તેમને બેહોશીની હાલતમાં જેમતેમ કરીને કારની બહાર કાઢ્યાં, પણ તેમના માથામાં ગંભીર ઈજા થતાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું. કાર ચલાવી રહેલા નીતેશ ગોંડલિયા અને તેમના સાત વર્ષના પુત્રને પગમાં અને માથામાં કેટલીક ઈજાઓ થઈ હતી, પરંતુ તેઓ બાલબાલ બચી ગયા છે. અત્યારે તેઓ અહીંની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. કારને પાછળથી ટક્કર મારનારા કન્ટેનરના ડ્રાઇવરની અમે ધરપકડ કરી છે.’