દાદરમાં ન્યુ પ્રભાદેવી રોડ પર રિલાયન્સ ડિજિટલ નજીક અમેયા બિલ્ડિંગમાં રહેતા ૨૧ વર્ષના પ્રીત કિશોર પટેલે શનિવારે બપોરે બિલ્ડિંગના ટેરેસ પરથી ઝંપલાવીને આત્મહત્યા કરતાં વાગડ લેઉવા પટેલ સમાજમાં ચકચાર મચી ગઈ છે
પ્રીત પટેલ
દાદરમાં ન્યુ પ્રભાદેવી રોડ પર રિલાયન્સ ડિજિટલ નજીક અમેયા બિલ્ડિંગમાં રહેતા ૨૧ વર્ષના પ્રીત કિશોર પટેલે શનિવારે બપોરે બિલ્ડિંગના ટેરેસ પરથી ઝંપલાવીને આત્મહત્યા કરતાં વાગડ લેઉવા પટેલ સમાજમાં ચકચાર મચી ગઈ છે. દાદર પોલીસે પ્રાથમિક માહિતી અનુસાર ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ખુશમિજાજ સ્વભાવ ધરાવતો પ્રીત ચાર્ટર્ડ ફાઇનૅન્શિયલ ઍનલિસ્ટ (CFA)ની ફાઇનલ પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો એટલું જ નહીં, તે અભ્યાસમાં પણ હોશિયાર હતો. તેણે આત્મહત્યા શા માટે કરી એની માહિતી જાણવા પોલીસે તેનો મોબાઇલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
એકાએક પ્રીતે આવું પગલું કેમ ભર્યું હશે અને આ પગલું ભરવા પાછળનું કારણ શું હશે એનો અમને સતત વિચાર આવી રહ્યો છે એમ જણાવતાં પ્રીતના કાકા જિતુ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રીતનો સ્વભાવ એકદમ ખુશમિજાજી હતો અને તે અભ્યાસમાં પણ ખૂબ હોશિયાર હતો એટલું જ નહીં, તે CFAની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. શનિવારે બપોરે એક વાગ્યે ઘરે જમ્યા બાદ તે ટેરેસ પર ગયો હતો. અમને લાગ્યું કે રાઉન્ડ મારવા ગયો હશે. થોડી વાર બાદ પ્રીત બિલ્ડિંગના ટેરેસ પરથી પડ્યો હોવાની માહિતી અમને મળી. અમે તાત્કાલિક તેને હૉસ્પિટલ લઈ ગયા હતા. જોકે ડૉક્ટરે તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. બીજા દિવસે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.’
ADVERTISEMENT
અમે આત્મહત્યા કરનાર યુવકનો ફોન જપ્ત કરી સાઇબર-એક્સપર્ટને મોકલી આપ્યો છે એમ જણાવતાં દાદરના પોલીસ-ઇન્સ્પેક્ટર ગણેશ નિકમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આત્મહત્યા કરનાર યુવક ઘણો હોશિયાર હતો. તેણે આત્મહત્યા શા માટે કરી એનું કારણ અમે શોધી રહ્યા છીએ. તેના પરિવારજનોનાં સ્ટેટમેન્ટ પણ નોંધવામાં આવશે એટલું જ નહીં, તેના પિતા સાથે તેનું જૉઇન્ટ બૅન્ક-અકાઉન્ટ હતું એનાં સ્ટેટમેન્ટ પણ અમે મગાવીશું. ટેક્નિકલ રીતે પણ અમે વધુ તપાસ કરીશું. શનિવારે બપોરે એક વાગ્યે પ્રીત સોસાયટીના વૉચમૅન પાસેથી ચાવી લઈને ટેરેસ પર જતો ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાના ફુટેજમાં દેખાયો હતો. ત્યાર બાદ તે ઉપરથી નીચે પડતો પણ દેખાયો હતો.’