મુંબઈના દાદરથી ગઈ કાલે સવારના ૯.૨૦ વાગ્યે રવાના થયેલી દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ બપોર બાદ ૩.૧૫ વાગ્યે કિમ પહોંચી હતી
સુરત નજીકના કિમ રેલવે-સ્ટેશન પાસે દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસના એક કોચનાં ખડી પડેલાં પૈડાં.
મુંબઈના દાદરથી ગઈ કાલે સવારના ૯.૨૦ વાગ્યે રવાના થયેલી દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ બપોર બાદ ૩.૧૫ વાગ્યે કિમ પહોંચી હતી. ટ્રેન કિમથી નીકળીને થોડી આગળ વધી હતી ત્યારે પ્રવાસીઓ ન હોય એવા એન્જિન પછીના કોચનાં ચાર પૈડાં પાટા પરથી ઊતરી ગયાં હતાં. આને લીધે એક્સપ્રેસ ટ્રેનને રોકી દેવામાં આવી હતી. કોચમાં કોઈ પ્રવાસી નહોતું એટલે કોઈને ઈજા નહોતી થઈ, પણ કોચનાં પૈડાંને રીસ્ટોર કરવામાં ત્રણ કલાક લાગ્યા હતા. આથી કિમથી એક્સપ્રેસ ટ્રેન ૬.૩૦ વાગ્યે રવાના થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આટલા સમય સુધી મુંબઈથી ગુજરાત અને બીજા રાજ્ય તરફ રવાના થયેલી તમામ ટ્રેનો વચ્ચે અટકી પડી હતી.
વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર વિનીત અભિષેકના જણાવ્યા મુજબ ‘સુરતથી ૨૪ કિલોમીટરના અંતરે આવેલા કિમ રેલવે-સ્ટેશન પાસે બપોરના ૩.૩૨ વાગ્યે દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસના એક કોચનાં ચાર પૈડાં પાટા પરથી ઊતરી ગયાં હતાં. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધોરણે કોચનાં પૈડાંને રીસ્ટોર કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઘટનામાં કોઈ પ્રવાસી કે રેલવેના કર્મચારીને ઈજા નથી થઈ. ટ્રેનવ્યવહારને પણ બહુ અસર નથી થઈ.’
ADVERTISEMENT
જોકે ગઈ કાલે મુંબઈથી ગુજરાત કે બીજા રાજ્યમાં જવા માટે ટ્રેનમાં નીકળેલા લોકોએ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે ટ્રેન ત્રણ કલાક મોડી પડવાને લીધે નાનાં બાળકોની હાલત ખરાબ થઈ છે.
દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ નાનાં-મોટાં તમામ રેલવે-સ્ટેશન પર ઊભી રહે છે અને એ કિમ સ્ટેશનથી નીકળી હતી ત્યારે જ આ ઘટના બની હતી. ટ્રેનની સ્પીડ ઓછી હતી એટલે મોટી ઘટના બનતાં-બનતાં રહી ગઈ છે.