દાદરનું પ્લૅટફૉર્મ નંબર-૧ હવે નંબર વન ઍક્સિડન્ટ ઝોન
કિલર સ્પૉટ : દાદર (સેન્ટ્રલ રેલવે)ના પ્લૅટફૉર્મ નંબર-૧ પર લોકો ટ્રેન પકડવા દોડે ત્યારે સર્કલ કરેલા સ્પૉટ પર પડી હોવાના ઘણા કિસ્સા બન્યા છે
દાદર સ્ટેશન (સેન્ટ્રલ રેલવે)ના પ્લૅટફૉર્મ નંબર-૧ પર છેલ્લાં ત્રણ વર્ષમાં ચાલુ ટ્રેનમાંથી પાટા પર પડી જવાને કારણે કે થાંભલા જોડે અથડાવા જેવા અકસ્માતમાં પાંચ જણનાં મોત અને ૩૦ જણ ઘાયલ થયાના આંકડાની નોંધ લઈને રેલવે પોલીસે એ પ્લૅટફૉર્મને અૅક્સિડન્ટ પ્રોન ઝોન જાહેર કર્યું છે. એ પ્લૅટફૉર્મ પર અકસ્માતોની સમસ્યા બાબતે ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)એ છ મહિના પહેલાં રેલવે બોર્ડને પત્ર લખ્યો હતો, પરંતુ એ બાબતે કોઈ પગલાં લેવાયાં નથી. દરમ્યાન જીઆરપીએ અકસ્માતો ટાળવાની જવાબદારી સાથે પ્લૅટફૉર્મના ચોક્કસ ઠેકાણે કાયમી ધોરણે એક જવાનને તહેનાત કરવાનો નિર્ણય લીધો છે.
જીઆરપીના દાદરસ્થિત સિનિયર ઇન્સ્પેક્ટર જ્ઞાનેશ્વર કાટકરે જણાવ્યું હતું કે સામાન્ય રીતે કોઈ પણ રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મની પહોળાઈ ૭૫ ફુટ જેટલી અપેક્ષિત હોય છે, પરંતુ સેન્ટ્રલ રેલવેના દાદર સ્ટેશનના પ્લૅટફૉર્મ
ADVERTISEMENT
નંબર-૧ની પહોળાઈ માંડ ૨૫ ફુટ છે. તેથી
પીક-અવર્સમાં પ્લૅટફૉર્મ પર પ્રવાસીઓની ભીડ પણ ઘણી થાય છે. ખાસ કરીને ટ્રેન આવતી હોય ત્યારે કે રવાના થવાની તૈયારીમાં હોય ત્યારે લોકો પુલનો દાદર ઊતરીને ડબો પકડવા દોડે ત્યારે પાટા પર પડી જાય છે. અનેક કિસ્સામાં પાટા પર પડેલા લોકોને જીઆરપી કે રેલવે પ્રોટેક્શન ફોર્સ(આરપીએફ)ના જવાનોએ બચાવ્યા છે.

