મલાડના ઑરિસ સેરેનિટીના ચૅરમૅન સોનુ જાલન સામે રહેવાસીઓએ સોસાયટીના ફન્ડની ઉચાપતનો અને ધમકી આપવાનો મૂક્યો આરોપ
૫૮ માળનું ઑરિસ સેરેનિટી મલાડમાં સૌથી ઊંચું બિલ્ડિંગ છે (તસવીર : અનુરાગ આહિરે)
ભંડોળના ગેરવહીવટના આક્ષેપને પગલે કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના ડેપ્યુટી રજિસ્ટ્રારે મલાડ-પશ્ચિમસ્થિત પૉશ હાઇરાઇઝ ઑરિસ સેરેનિટી સોસાયટીના ઑડિટ રિપોર્ટનો આદેશ આપ્યો છે. રહેવાસીઓએ સોસાયટીના ચૅરમૅન પર ઉચાપતનો આરોપ મૂક્યો છો. ગુનાહિત ભૂતકાળ ધરાવતા તેમ જ અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમ સાથે સંબંધ ધરાવતા સોસાયટીના ચૅરમૅન સોનુ જલાન દ્વારા ધમકી આપવામાં આવી હોવાનું જણાવીને સોસાયટીના સભ્યોએ ગયા મહિને પોલીસ-પ્રોટેક્શનની પણ માગણી કરી હતી.
કો-ઑપરેટિવ સોસાયટીઝ (૪) મુંબઈના ડિસ્ટ્રિક્ટ ડેપ્યુટી રજિસ્ટ્રાર કૈલાશ જેબાલેએ ડિસ્ટ્રિક્ટ સ્પેશ્યલ ઑડિટર (ક્લાસ-૧) કો-ઑપરેટિવ સોસાયટી, મુંબઈને લખેલા પત્ર દ્વારા ઑરિસ સેરેનિટી સોસાયટી ટાવર-૧ના રહેવાસીઓની ફરિયાદને પગલે ૨૦૨૧માં સોસાયટી રજિસ્ટર્ડ થઈ ત્યારથી માર્ચ ૨૦૨૨ સુધીના સમયગાળાનું ઑડિટ કરવા જણાવ્યું છે. પત્રમાં વધુમાં કૈલાશ જેબાલેએ ઑડિટરનું નામ ઑફિસમાં જણાવવાનો અનુરોધ કર્યો છે.
ADVERTISEMENT
ફરિયાદમાં ઑરિસ સેરેનિટીના રહેવાસીઓએ જણાવ્યું હતું કે ‘સોનુ જલાનના અધ્યક્ષપદે નિમાયેલી વચગાળાની કમિટી સરકારી કાયદા મુજબ ૨૫,૦૦૦ રૂપિયાને બદલે ગેરકાયદે રીતે બેથી ચાર લાખ રૂપિયા ટ્રાન્સફર-ફી વસૂલ કરતી હતી. આ ઉપરાંત હંગામી મૅનેજિંગ કમિટીના સભ્યોએ એવી આઇટમો માટે ૪૦ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો જેના માટે કોઈ બિડ કે ટેન્ડર જાહેર કર્યું નહોતું. મૅનેજિંગ કમિટીએ બીએમસી, એસઆરએ કે ફાયર વિભાગની મંજૂરી લીધા વિના જ ૩૫ લાખ રૂપિયાના ખર્ચે સોસાયટીની ઑફિસ બાંધવાનો ઠરાવ મંજૂર કર્યો હતો તેમ જ ૨૦ કરતાં પણ ઓછા દિવસમાં કામ પૂરું કરી દીધું હતું.
રહેવાસીઓએ હંગામી મૅનેજિંગ કમિટી પર ગેરકાયદે રીતે ઠરાવો પસાર કરવાનો અને જો તેઓ લિફ્ટનો ઉપયોગ કરવાનું બંધ ન કરે તો ફોજદારી કાર્યવાહીની ધમકી આપવાનો આરોપ પણ મૂક્યો છે.