જોકે બે દિવસ પછી એને કારણે કોંકણના અમુક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે
ફાઇલ તસવીર
અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન ‘બિપરજૉય’ નામનું વાવાઝોડું અતિ તીવ્ર બન્યું છે, જે વધુ મજબૂત થવાની આગાહી કરવામાં આવી છે. અત્યારે આ વાવાઝોડું ૧૧૫થી ૧૨૦ કિલોમીટરની ગતિથી ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જોકે મુંબઈ વેધશાળાના કહેવા પ્રમાણે અત્યારની પરિસ્થિતિ જોતાં બિપરજૉય વાવાઝોડાની મહારાષ્ટ્ર, મુંબઈ, ગોવાના વિસ્તારોમાં ગંભીર અસર થવાની અત્યારે કોઈ શક્યતા દેખાતી નથી. બે દિવસ પછી આ વાવાઝોડાને કારણે કોંકણના અમુક ભાગોમાં હળવો વરસાદ આવી શકે છે.
બિપરજૉય ક્યાં જઈ રહ્યું છે?
મુંબઈ વેધશાળાનાં ડૉ. સુષમા નાયરે આપેલી માહિતી પ્રમાણે દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર પરનું ડીપ ડિપ્રેશન ચક્રવાત તોફાન બિપરજૉય ગઈ કાલે સાંજ પછી અતિ તીવ્ર બન્યું છે. એને કારણે આ વખતે ચોમાસું વિલંબ થવાની પૂરી શક્યતા છે. સામાન્ય સંજોગોમાં અત્યાર સુધીમાં ચોમાસું કોંકણમાં પ્રવેશી જાય છે. અત્યારે બિપરજૉય મુંબઈથી ૯૦૦ કિલોમીટર દૂર છે. અત્યારના સંજોગોમાં આજકાલમાં એની કોઈ અસર મુંબઈ અને મહારાષ્ટ્ર પર થાય એવું લાગતું નથી. જોકે બે દિવસ પછી આ વાવાઝોડાને કારણે કોંકણમાં વરસાદનાં હળવાં ઝાપટાં આવવાની શક્યતાઓ છે.
ADVERTISEMENT
૪૮ કલાકમાં કેરલામાં ચોમાસું
આઇએમડીના અધિકારી કે. એસ. હોસલકરના કહેવા પ્રમાણે અત્યારે વાવાઝોડું કલાકના ૧૧૫થી ૧૨૫ કિલોમીટરની ઝડપે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. ધીમે-ધીમે બિપરજૉય તોફાની બની રહ્યું છે. એને કારણે માછીમારોને પાછા ફરવાની સૂચના આપવામાં આવી છે. અત્યારે બિપરજૉય ગોવાથી ૮૬૦ કિલોમીટર અને મુંબઈથી ૯૦૦ કિલોમીટર દૂર છે. ૪૮ કલાકમાં ચોમાસું કેરલામાં પ્રવેશી શકે છે. જોકે એ એટલું બધું જોરદાર હશે નહીં. જો કેરલામાં ચોમાસું બેસી જશે તો મહારાષ્ટ્રમાં ૧૫ જૂન સુધીમાં વરસાદ આવવાની શક્યતાઓ છે.
બિપરજૉય નામ કેવી રીતે પડ્યું?
દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં ઉદ્ભવતા આ ચક્રવાતી તોફાનનું નામ બિપરજૉય છે. આ ચક્રવાતનું નામ બંગલા દેશ દ્વારા આપવામાં આવ્યું છે. વર્લ્ડ મિટિયરોલૉજિકલ ઑર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએમઓ)ના જણાવ્યા મુજબ વિશ્વભરના હવામાનની આગાહી કરનારાઓ દરેક ઉષ્ણકટિબંધીય વાવાઝોડાને મૂંઝવણ ટાળવા માટે એક નામ આપે છે. અગાઉનું વાવાઝોડું બંગાળની ખાડીમાં ઉદ્ભભવ્યું હતું. બિપરજૉયનો અર્થ ‘આપત્તિ’ થાય છે. વેધશાળાના અહેવાલ પ્રમાણે આ નામ ૨૦૨૦માં વિશ્વ હવામાન સંસ્થાના દેશો દ્વારા આપવામાં આવ્યું હતું. એમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્ર સહિત ઉત્તર હિન્દ મહાસાગર પર બનેલા તમામ ઉષ્ણકટિબંધીય ચક્રવાતોનો પણ સમાવેશ થાય છે, કારણ કે ચક્રવાતને પ્રાદેશિક નિયમોના આધારે નામ આપવામાં આવ્યું છે. ડબ્લ્યુએમઓના જણાવ્યા અનુસાર ઍટલાન્ટિક અને દક્ષિણ ગોળાર્ધમાં (ભારતીય મહાસાગર અને દક્ષિણ પૅસિફિક) ઉષ્ણકટિબંધીય ચક્રવાતોને મૂળાક્ષરોના ક્રમમાં નામ મળે છે અને સ્ત્રીઓ અને પુરુષોનાં નામ વૈકલ્પિક રીતે આપવામાં આવે છે, જ્યારે ઉત્તર હિન્દ મહાસાગરમાં નામો મૂળાક્ષરો પ્રમાણે સૂચિબદ્ધ થાય છે તથા દેશ અને લિંગ તટસ્થ રહે છે.