રિઝર્વ કૅટેગરીમાં આ પર્સેન્ટાઇલ પાંચ વર્ષમાં સૌથી વધુ છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
દેશની ૨૩ જેટલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (આઇઆઇટી)માં પ્રવેશ માટે જરૂરી જૉઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (જેઈઈ) મેઇન્સ આપ્યા બાદ જેઈઈ (ઍડ્વાન્સ) આપવા માટે જરૂરી પર્સેન્ટાઇલમાં ભારે વધારો જોવા મળ્યો છે. રિઝર્વ કૅટેગરીમાં આ પર્સેન્ટાઇલ પાંચ વર્ષમાં સૌથી વધુ તો જનરલ કૅટેગરીમાં ચાર વર્ષમાં સૌથી વધુ છે. જનરલ કૅટેગરીમાં આ વર્ષે પર્સેન્ટાઇલ ૯૦.૭ હતા જે ગયા વર્ષે ૮૮.૪ હતા. આ વર્ષે ૧૧,૧૩,૩૨૫ વિદ્યાર્થીઓએ જેઈઈ (મેઇન)ની પરીક્ષા આપી હતી જેમાંથી ૨,૫૧,૬૭૩ જેઈઈ (ઍડ્વાન્સ) પરીક્ષા આપી શકશે. ગયા વર્ષે આ સંખ્યા ૨,૬૨,૧૫૭ હતી. સૌથી વધારે સફળ થનારાઓમાં યુપીના ૩૧,૪૩૨, મહારાષ્ટ્રના ૨૫,૨૦૫ અને તેલગંણના ૨૩,૭૫૦ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જેઈઈ (ઍડ્વાન્સ)માં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ગઈ કાલથી શરૂ કરવામાં આવી છે જે પાંચમી મે સુધી ચાલશે. ચોથી જૂને પરીક્ષા લેવામાં આવશે અને ૧૮ જૂને રિઝલ્ટ બહાર પાડવામાં આવશે.