હિતેશ રાઠોડની કેટરિંગ સર્વિસ બુક કરાવનાર ગ્રાહકોના કહેવા અનુસાર તેણે ગ્રાહકોનો સંપર્ક કર્યો હતો અને પૈસા પાછા આપવાનું વચન આપ્યું હતું
કેટરર હિતેશ રાઠોડ
મુંબઈ : મુંબઈનો ટોચનો કેટરર હિતેશ રાઠોડ ૧૧ ડિસેમ્બરે લગ્નના પ્રસંગોનું કામ લઈને ગાયબ થઈ ગયો હતો અને તે મુંબઈ પાછો ફર્યો છે એવા રીપોર્ટ્સ છે. જોકે પોલીસનું કહેવું છે કે તે હજી મળ્યો નથી અને તપાસ ચાલી રહી છે. હિતેશ રાઠોડની કેટરિંગ સર્વિસ બુક કરાવનાર ગ્રાહકોના કહેવા પ્રમાણે તેણે ગ્રાહકોનો સંપર્ક કર્યો હતો અને પૈસા પાછા આપવાનું વચન આપ્યું હતું. હિતેશ રાઠોડે પોતાનો કેટરિંગનો બિઝનેસ ટ્રાન્સફર કરવાની ઑફર પણ આપી છે.
છેલ્લા બે દિવસમાં કાંદિવલી પોલીસને બે પરિવાર તરફથી હિતેશ રાઠોડની ફરિયાદ મળી છે. તેમણે હિતેશ રાઠોડને કુલ ૩૦ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. ‘મિડ-ડે’ને સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે તે મીરા રોડમાં બુરખો પહેરીને ફરતો જોવા મળ્યો હતો. તે તેના મૅનેજર અલ્તાફ ખાન સાથે સતત સંપર્કમાં હોવાનું કહેવાય છે.
ADVERTISEMENT
‘મિડ-ડે’ને સૂત્રો તરફથી મળેલી માહિતી અનુસાર, હિતેશ રાઠોડ રવિવારે સાંજે સુરતથી ટ્રેનમાં મુંબઈ પહોંચ્યો હતો. તેણે અલ્તાફ ખાન સાથે મુંબઈની પરિસ્થિતિ જાણી હતી અને કાંદિવલી-વેસ્ટના મહાવીર નગરમાં આવેલી તેની કેટરિંગ શૉપની મુલાકાત લેતાં પરિવારો વિશે વાત પણ કરી. દરમ્યાન દુકાનના માલિકે યશ કેટરર્સનું બોર્ડ હટાવી દીધું છે અને દાવો કર્યો છે કે હિતેશ રાઠોડે ભાડું ચૂકવ્યું નહોતું અને તેના પર ૬ લાખ રૂપિયાનું દેવું હતું.
૫૦ વર્ષના એક વ્યક્તિએ ૧૪ ડિસેમ્બરે તેમની દીકરીનાં લગ્ન માટે કેટરિંગ સર્વિસ બુક કરાવી હતી અને રાઠોડને ૧૦ લાખ રૂપિયા ચૂકવ્યા હતા એમ જણાવતાં તેમણે કહ્યું કે ‘હિતેશ રાઠોડે મને રવિવારે ફોન કર્યો અને કહ્યું કે તે મને મળવા માગે છે. અમે રવિવારે કોરા કેન્દ્ર સિગ્નલ પર મળવાનું નક્કી કર્યું. હિતેશે મને કહ્યું કે તેના પર ૩ કરોડનું દેવું છે. તેણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે તેણે મૅરેજ કેટરિંગ સર્વિસ બુક કરાવવા માટે લોકો પાસેથી આશરે એકથી દોઢ કરોડ જેટલા રૂપિયા ભેગા કર્યા છે એમાંથી તે દેવું ચૂકવવાનો હતો. તેણે એમ પણ કહ્યું કે કેટરિંગ સર્વિસ બુક કરાવનાર લોકોને ચૂકવવા માટે તેની પાસે પૈસા નથી. તે ડિપ્રેશનમાં છે અને તેણે પોતાનો કેટરિંગ બિઝનેસ બીજા કોઈને સંભાળવાની ઑફર કરી છે. તેણે તેના ગોડાઉનમાં ૬૦ લાખ રૂપિયાનાં વાસણ અને સામગ્રી હોવાનો દાવો કર્યો હતો, જે તેણે મને વેચવાની ઑફર કરી હતી. મેં આ પ્રસ્તાવ નકાર્યો અને મારા પૈસા પાછા માગ્યા. તેણે મને ખાતરી આપી કે તે પૈસાની વ્યવસ્થા કરશે અને બે દિવસમાં પાછા આપી દેશે. જોકે રાઠોડ ફરી ગાયબ થઈ ગયો અને તેણે મારો સંપર્ક કર્યો નથી.’
અન્ય એક ફરિયાદી ડેકોરેટરે ‘મિડ-ડે’ને માહિતી આપી હતી કે ‘હિતેશ રાઠોડે મારો પણ સંપર્ક કર્યો હતો અને મુંબઈ પાછો ફર્યા બાદ મારા પૈસા પાછા આપવાનું વચન આપ્યું હતું. જોકે રાઠોડનો કોઈ કૉલ આવ્યો નથી. ‘મિડ-ડે’ને એવી પણ માહિતી મળી હતી કે રાઠોડ મુંબઈમાં છે, પણ તેને શોધી શકાયો નથી.’
૨૬-૨૭ ડિસેમ્બરે મલાડના એક રિસૉર્ટમાં ફૂડ કેટરિંગ માટે રાઠોડને ૩૦ લાખ રૂપિયા ચૂકવનાર મહિલાએ કહ્યું કે ‘મેં કાંદિવલી પોલીસને એફઆઇઆર નોંધવા લેખિત ફરિયાદ કરી હતી. પોલીસે હજી સુધી આ મામલે એફઆઇઆર નોંધ્યો નથી. અમે હાલમાં લગ્નના ફંક્શનમાં વ્યસ્ત છીએ.’
કાંદિવલીના એક પોલીસ-અધિકારીએ જણાવ્યું કે ‘રાઠોડ હજી પણ ગુમ છે અને ઘરે પાછો ફર્યો નથી. અમે તેની પુત્રીના સંપર્કમાં છીએ જેણે અમને પરિસ્થિતિ વિશે જાણ કરી છે. અમને માહિતી મળી છે કે રાઠોડ તેના મૅનેજર અલ્તાફ ખાન તેમ જ કેટલાંક સગાંસંબંધીઓના સંપર્કમાં છે. અમને બે પરિવાર અને ડેકોરેટર તરફથી પણ ફરિયાદ મળી છે. અમે ફરિયાદની ચકાસણી કરી રહ્યા છીએ. અમે યોગ્ય પગલાં લઈશું.’

