હવે મેટ્રો-રેલ વૉટ્સઍપના માધ્યમથી કસ્ટમર કૅરની સુવિધા પૂરી પાડશે
મુંબઈ મેટ્રો ૧ની ફાઇલ તસવીર (તસવીર : સૈયદ સમીર આબેદી)
ગયા અઠવાડિયે અંધેરી-ઘાટકોપર મેટ્રો ટ્રેનમાં ખરાબી થતાં પ્રવાસીઓ હેરાન-પરેશાન થઈ ગયા હતા અને એ સમયે તેમને કોઈ માહિતી મળી ન હોવાની ફરિયાદ થઈ હોવાથી આ અને આવી બીજી ફરિયાદોને ધ્યાનમાં રાખીને મેટ્રો-વન તરફથી એક વૉટ્સઍપ-નંબર જાહેર કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર ડેના દિવસે મેટ્રો-વન (અંધેરી-ઘાટકોપર મેટ્રો) તરફથી મુંબઈગરાઓ માટે વધુ એક સર્વિસ શરૂ કરવામાં આવી છે. હવે મેટ્રો-રેલ વૉટ્સઍપના માધ્યમથી કસ્ટમર કૅરની સુવિધા પૂરી પાડશે. મેટ્રોની સેવા લેવા માટે મુંબઈગરાઓએ મેટ્રો ટ્રેનના વૉટ્સઍપ-નંબર 9930310900 ઉપર મેસેજ મોકલવાનો રહેશે. આ નંબર પર મેટ્રો-વનના પૅસેન્જરે તેમને જે સેવા જોઈતી હોય એ સેવા માટેનો મેસેજ મોકલવાનો રહેશે, જેની સામે થોડી જ વારમાં તેમને જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે. મેટ્રો ટ્રેન જ્યારે સમયસર ન હોય ત્યારે પ્રવાસીઓ આ નંબર પર મેસેજ કરશે એટલે જરૂરી સૂચના અને માર્ગદર્શન મળી શકશે. પૅસેન્જરની ફરિયાદનું નિરાકરણ ૭૨ કલાકની અંદર કરવામાં આવશે. આ સેવા તેમના તરફથી સવારે ૬.૩૦ વાગ્યાથી રાતે ૧૦.૩૦ વાગ્યા સધી આપવામાં આવશે. આ સેવા માટે વૉટસઍપ-નંબર સિવાય પૅસેન્જર્સ કૉલ સેન્ટરના 022-30310900 અથવા ઈ-મેઇલ : customercare@reliancemumbaimetro.com અથવા તો ટ્વિટર જેવા સોશ્યલ મીડિયાના માધ્યમથી પણ મેળવી શકાશે.