ગુલાબરાવ પાટીલના ડ્રાઇવરે એક કારને કટ મારી હોવાથી ભેગા થઈ ગયેલા ઉદ્ધવસેનાના લોકોએ પહેલાં પથ્થરમારો કર્યો અને ત્યાર બાદ ૧૦થી ૧૫ દુકાનો અને કારને આગ લગાવી દીધી
પાળધી ગામમાં દુકાનોને આગ લગાવવામાં આવી હતી તે તસવીર અને બીજી તસવીરમાં ગુલાબરાવ પાટીલ
રાજ્યના વૉટર સપ્લાય ઍન્ડ સૅનિટેશન ખાતાના પ્રધાન ગુલાબરાવ પાટીલના જળગાંવ જિલ્લાના પાળધી ગામમાં થર્ટીફર્સ્ટની રાત્રે શિવસેનાનાં બે ગ્રુપ વચ્ચે ધમાલ થવાથી કરફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. શિવસેનાના ગુલાબરાવ પાટીલના પરિવારને કારમાં લઈ જઈ રહેલા તેમના ડ્રાઇવરે પાળધી ગામમાં વારંવાર હૉર્ન મારીને એક કારને કટ માર્યા બાદ મામલો બીચક્યો હતો. એને લીધે ગામના અમુક યુવાનો ભેગા થઈ ગયા હતા અને એની જાણ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના કાર્યકરોને થતાં તેઓ મોટી સંખ્યામાં ત્યાં પહોંચી ગયા હતા.
ત્યાર બાદ તેમની વચ્ચે ઝઘડો વધી જતાં પથ્થરમારો થયો હતો તેમ જ ગુસ્સે ભરાયેલા ટોળાએ દસથી પંદર દુકાનો અને અમુક વાહનોને સળગાવી દીધાં હતાં. એને લીધે પોલીસ તરત જ ઍક્શનમાં આવી ગઈ હતી અને એણે ગામમાં કરફ્યુ લગાવી દીધો હતો તેમ જ લોકોને અફવા પર વિશ્વાસ ન મૂકવા કહ્યું હતું. બન્ને ગ્રુપ વચ્ચેની જૂની અદાવતને લીધે આ થયું હોવાનું પોલીસનું કહેવું છે. એણે આ તોફાન કરનારા પચીસ જણ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.