ઉદ્ધવ ઠાકરે દિલ્હીની ત્રણ દિવસની મુલાકાતે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના મુંબઈ અધ્યક્ષ આશિષ શેલારે ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં સવાલ કર્યો હતો
ગઈ કાલે દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે ઉદ્ધવ ઠાકરે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર દિલ્હી જાય છે ત્યારે ઉદ્ધવ ઠાકરે અને તેમના સાથીઓ દ્વારા જોરદાર ટીકા કરવામાં આવે છે. હવે ખુદ ઉદ્ધવ ઠાકરે દિલ્હીની ત્રણ દિવસની મુલાકાતે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના મુંબઈ અધ્યક્ષ આશિષ શેલારે ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં સવાલ કર્યો હતો કે ‘અમારા નેતાઓ દિલ્હીમાં મહારાષ્ટ્રની સમસ્યા બાબતે ચર્ચા કરીને જરૂરી ભંડોળ મેળવવા માટે જાય છે. તમે મહારાષ્ટ્રના ખેડૂતો, મહિલાઓ, યુવાઓ કે મરાઠા આરક્ષણ જેવા વિષયો લઈને નહીં તો શું મુખ્ય પ્રધાનપદ માટે ગયા છો? અમારા નેતાઓ નતમસ્તક થવા નહીં, જરૂરી કામ માટે જાય છે. તમે શા માટે ગયા છો એ કહો, કૉન્ગ્રેસને શરણે શું કરવા ગયા છો એની સ્પષ્ટતા કરો. મહારાષ્ટ્રની સમસ્યા વિશે તમે કેમ કોઈ રજૂઆત નથી કરી? તમારા ઘરની સામે મરાઠા સમાજને આરક્ષણ આપવા માટેની માગણી કરવામાં આવી ત્યારે તમે કહ્યું હતું કે આ બાબતનો નિર્ણય દિલ્હીએ લેવો જોઈએ. તો પછી તમે હજી સુધી કેમ કોઈ નિવેદન નથી આપ્યું? દિલ્હીમાં જઈને તમે બંગલાદેશ અને ધારાવીનો મુદ્દો કાઢ્યો, પણ ધારાવીમાં જ એક હિન્દુની સરેઆમ હત્યા કરવામાં આવી એ વિશે કેમ કંઈ ન બોલ્યા?’