મુંબઈ: ગણતરીની પળોમાં જ પકડાયેલો ચોર પોલીસની પકડમાંથી આઝાદ
બિલ્ડિંગના પાછળના ભાગમાંથી ભાગતા ચોરનો વિડિયો ગ્રૅબ.
ચોરીમાં સંડોવાયેલો હોવાની શંકાના આધારે પકડવામાં આવેલો ચોર શિવાજીનગર પોલીસ સ્ટેશનમાંથી લઘુશંકા કરવા જવું છે એમ કહીને ગયો પછી પાછો જ ન આવ્યો. પોલીસ સ્ટેશનની બાજુની બિલ્ડિંગના એક રહેવાસીએ ચોર ભાગી રહ્યો હતો, તેનો વિડિયો ઉતાર્યો હતો અને પોલીસને પણ અલર્ટ કરી હતી.
ચોરીના કેસમાં સંડોવણીમાં શિવાજીનગર પોલીસ ૨૪ વર્ષના મોહંમદ ઇમરાન સૈફુલ્લા ખાન ઉર્ફે ઇમ્મુને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ આવી હતી. પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યાના બે કલાકમાં જ ઇમ્મુ પોલીસની જાણ બહાર પોલીસ સ્ટેશનના પહેલા માળની બારીમાંથી ભાગી ગયો હતો.
ADVERTISEMENT
દેવનાર વિભાગના એસીપી વિશ્વપાલ ભુજબલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ઇમરાન વિરુદ્ધ અગાઉ પણ ચોરીનો કેસ નોંધાયેલો છે. અન્ય એક કેસ માટે પૂછપરછ કરવા માટે તેને અમારી ટીમ શનિવારે પકડીને લાવી હતી.’ ચોરીના કેસમાં તેનો કોઈ હાથ ન હોવાનું ઇમરાને તપાસ કરી રહેલી પોલીસને જણાવ્યું હતું.
ઇમરાને પોલીસને લઘુશંકા કરવા જવું છે એવું કહ્યું હતું. ઇમરાન લઘુશંકા કરવા માટે એકલો ગયો હતો અને તે ટૉઇલેટની બારીના કાચ તોડીને ત્યાંથી ભાગી ગયો હતો. ઇમરાન બારીના કાચ તોડીને ભાગ્યો તેનો વિડિયો બાજુની મ્હાડા બિલ્ડિંગમાં રહેતા એક રહેવાસીએ ઉતારી લીધો હતો અને આ અંગે પોલીસને જાણ પણ કરી હતી. એસીપી ભુજબલે આ અંગે જણાવ્યું હતું કે ઇમરાન વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની ૨૨૪ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસ તેને શોધી રહી છે.

