મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ કન્ટ્રોલ ટીમે સમતાનગરમાંથી હજારો લિટર ભેળસેળવાળું દૂધ જપ્ત કરીને પાંચ જણની ધરપકડ કરી : આરોપીઓ ગોકુલ અને અમૂલની દૂધની થેલીઓમાંથી દૂધ કાઢીને એમાં થોડું પાણી અને કેમિકલ નાખ્યા બાદ એને ફરી પૅક કરી દેતા
૧૦૪૧ લિટર ભેળસેળવાળું દૂધ જપ્ત કર્યું હતું
મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિન્ગની ક્રાઇમ બ્રાન્ચ (સીબી) કન્ટ્રોલ ટીમે મુંબઈ એફડીએના અધિકારીઓ સાથે મળીને ગઈ કાલે વહેલી સવારે સમતાનગર વિસ્તારમાં આવેલી એક સોસાયટીના ફ્લૅટમાં છાપો મારીને ૧૦૪૧ લિટર ભેળસેળવાળું દૂધ જપ્ત કર્યું હતું. આ ભેળસેળવાળું દૂધ ગોકુલ અને અમૂલ જેવી મોટી બ્રૅન્ડેડ કંપનીની થેલીમાં પૅક કરીને આસપાસના વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતું હતું. આ કેસમાં સીબી કન્ટ્રોલ ટીમે સમતાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને ચાર પુરુષ અને એક મહિલા સહિત પાંચ જણની ધરપકડ કરી છે.
મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિન્ગની સીબી કન્ટ્રોલ ટીમને માહિતી મળી હતી કે સમતાનગરની હદમાં હુડ પોઇસર નામના વિસ્તારમાં બિહારી પહાડ મેદાન પાસેની એક સોસાયટીમાં અમુક લોકો દૂધમાં ભેળસેળ કરી રહ્યા છે. એ પછી આશરે ૧૫ દિવસ અહીંની ગતિવિધિઓ પર સીબી કન્ટ્રોલ ટીમ દ્વારા નજર રાખવામાં આવી હતી. અંતે ગઈ કાલે વહેલી સવારે સીબી કન્ટ્રોલ ટીમના અધિકારીઓ અને એફડીએના ફૂડ સેફ્ટી ઑફિસરોએ ફ્લૅટ પર છાપો માર્યો, જ્યાં હાજર લોકો ગોકુલ અને અમૂલ કંપનીની દૂધની થેલીઓમાંથી દૂધને કોથળીમાંથી બહાર કાઢ્યા બાદ એમાં થોડું પાણી અને કેમિકલ નાખીને દૂધ ઘટ્ટ કર્યા બાદ એને પૅક કરીને ફરીથી બજારમાં વેચવા માટે મોકલતા હોવાનું જાણવા મળ્યું હતું. એ પછી આશરે ૧૦૪૧ લિટર દૂધ જપ્ત કરવામાં આવ્યું હતું અને ભેળસેળ કરનાર વિરય રોશૈયા, શ્રીનિવાસ નરસિંહ વડલા, નરેશ જડલા, અંજય્યા બોડુપલ્લી અને રામા ગજ્જીની ધરપકડ કરીને આ ગુનાની ફરિયાદ સમતાનગર પોલીસ-સ્ટેશનમાં કરવામાં આવી હતી.
ADVERTISEMENT
આર્થિક બ્રાન્ચની ક્રાઇમ બ્રાન્ચ કન્ટ્રોલ ટીમના અસિસ્ટન્ટ પોલીસ ઇસ્પેક્ટર રૂપેશ દરેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે આશરે ત્રણ વાગ્યે ઘટનાસ્થળ પર એફડીએના અધિકારીઓ સાથે અમે છાપો માર્યો હતો. એમાં જાણવા મળ્યા મુજબ પાંચ જણ અગાઉ ગોકુલ અને અમૂલ કંપનીઓ પાસેથી બ્રૅન્ડેડ દૂધનો માલ ખરીદતા હતા. ત્યાર બાદ દૂધની થેલીમાં સાઇડના ખૂણામાં ઝીણી વસ્તુથી કાણું કરી એક ટબમાં સારું દૂધ કાઢી એને બદલે પાણી અને કોઈ પ્રકારનું કેમિકલ ભરતા હોવાનું જણાઈ આવ્યું હતું. આરોપીઓ આસપાસના વિસ્તારોમાં આવેલી હોટેલો અને દુકાનોમાં આ દૂધ સપ્લાય કરતા હતા. પ્રાથમિક માહિતીના આધારે આરોપીઓ છેલ્લા બેથી ત્રણ મહિનાથી દૂધમાં ભેળસેળનું રૅકેટ ચલાવી રહ્યા હતા. ફ્લૅટમાંથી હજારો લિટર ભેળસેળયુક્ત દૂધ, પૅકિંગ મશીન, ટબ, મીણબત્તીઓ સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી છે.’
મુંબઈના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશનના જૉઇન્ટ કમિશનર ભાઉરાવ ચવાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પોલીસ તરફથી મળેલી માહિતીના આધારે અમે તેમની સાથે છાપો માર્યો હતો, જેમાં હજારો લિટર દૂધ ભેળસેળવાળું મળી આવ્યું હતું. એનાં સૅમ્પલ લઈને એને તપાસ માટે મોકલવામાં આવ્યું છે.’ વધુ માહિતી આપવાનો તેમણે ઇનકાર કર્યો હતો.
રેઇડની લોકલ પોલીસ જાણ કરવામાં ન આવી
ક્રાઇમ બ્રાન્ચની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિન્ગ અને ફૂડ ઍન્ડ ડ્રગ વિભાગની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો ત્યારે સમતાનગર પોલીસને આ કાર્યવાહીની જાણ કરવામાં આવી નહોતી. તેમની હદમાં ખુલ્લેઆમ ચાલતા દૂધમાં ભેળસેળ વિશે સમતાનગર પોલીસને પણ જાણ ન હોવાનો સમતાનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ દાવો કર્યો હતો. આ કાર્યવાહી બાદ સમતાનગર પોલીસ સફાળી જાગી ઊઠી છે. ધરપકડ કરેલા આરોપીઓ પાસેથી વધુ માહિતી લઈને આગળની તપાસ સમતાનગર પોલીસ કરી રહી છે.